મેળો આપો તો – હરિન્દ્ર દવે. Harindra Dave.
જાન્યુઆરી 11, 2007 at 9:51 એ એમ (am) 3 comments
મેળો આપો તો એક માનવીની સંગ
અને એકલતા આપો તો ટોળે,
જીવન આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે !
તરતાં ના આવડે લગાર અને તગતગતા
તડકાનો દરિયો લલકારે.
થાકેલી આંખો અંજાતી નથી, તોય
થોડાં મૃગજળ ચળકે છે મઝધારે.
ટીપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.
સૂની બપોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો.
ઊગતી સવારના આ ડહોળા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો.
કોઇએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
કોણ હવે આકાશે ઢોળે ?
Entry filed under: કવિતા.
1.
સુરેશ જાની | જાન્યુઆરી 11, 2007 પર 8:34 પી એમ(pm)
આભાર અમિત,
બહુ જ વીચારવા જેવું અને મમળાવવા જેવું કાવ્ય. હું આનું રસદર્શન અંતરની વાણી પર કરાવીશ.
2.
Neela Kadakia | જાન્યુઆરી 12, 2007 પર 9:54 પી એમ(pm)
સરસ કાવ્ય
3.
વિવેક | જાન્યુઆરી 15, 2007 પર 11:22 એ એમ (am)
મેળો આપો તો એક માનવીની સંગ
અને એકલતા આપો તો ટોળે…
…જાણે કે દિલની જ વાત…! સુંદર ગીત…