ગામઠી ગોફણ ગીતા – અનામી.
જાન્યુઆરી 16, 2007 at 9:22 એ એમ (am) 4 comments
ધરતયડો કે’ છે :
’ધરમછેતરમાં ને કરુછેતરમાં
ઇ ઘડીકમાં બાઝી મરે,
હંજયડા ! ઘડીકમાં બાઝી મરે,
(એવાં) મારા છૈયાંઉ ને ભાયુંના સોકરાંઉ,
ભેળાં થઇને સું કરે –
હંજયડા ! ભેળાં થઇને સું કરે ?’
અરજણીયો કે’ છે :
નાનાએ મારવા ને મોટાએ મારવા,
ને મારવાનો ના મળે આરો,
કરહણિયા ! મારવાનો ના મળે આરો,
એવું તે રાજ કેદીક ના રે કઇર્યું તો,
ચિયો ગીગો રહી ગીયો કુંવારો ?
કરહણિયા ! હું તો નથી લડવાનો…
કરહણિયો કે’ છે :
અજરામર છે અલ્યા મનખાનો આત્યમો,
ને માર્યો ના કો’થી મરાય ;
અરજણિયા ! માર્યો ના કો’થી મરાય ;
એવું હમજીને અલ્યા દીધે તું રાખ્યને,
તારા બાપનું સું જાય ?
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
મલક હંધોય તારી કરવાનો ઠેકડી
ને હું તો કહી કહીને થાક્યો
આ ખતરીના કુળમાં ચ્યાંથી તું આવો ?
ઊંધા તે પાનિયાનો પાક્યો
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
અલ્યા જુધમાં જીતેશ તો રાજ કરેશ ને
મરેશ તો જા’શ ઓલ્યા હરગે,
અરજણિયા મરેશ તો જાશ ઓલ્યા હરગે,
અલ્યા તારો તે દિ’ જો ઘેર હોય તો
આવો તે લાગ શીદ ચૂકે ?
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
મોટા મોટા માઇત્મા ને મોટા પુરસ
જીણે વાસનામાં મેલ્યો પૂળો
અરજણિયા વાસનામાં મેલ્યો પૂળો
અલ્યા એવા ઇ જગત હાટું કરમું ઢઇડે
પસે તું તે કઇ વાડીનો મૂળો ?
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
કરમની વાત હંઘી આપડા હાથમાં
ને ફળની નઇં એકે કણી,
અરજણિયા ફળની નઇં એકે કણી.
ઇમ ના હોય તો હંધાય થઇ બેહે
ઓલ્યા દલ્લી તે શહેરના ધણી
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
ને ઊંધું ઘાલીને જા કરમ ઢહઇડ્યે
ફળની તું કર્ય મા ફકર્ય
અરજણિયા ફળની તું કર્ય મા ફકર્ય
ફળનો દેનારો ઓલ્યો બેઠો પરભૂડિયો
ઇ નથ્થ તારા બાપનો નોકર
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
અરજણિયો કે છે :
ભરમ ભાંગ્યો ને સંસ્યો ટળ્યા છે.
ને ગન્યાંન લાદયું મને હાચું ;
કરહણિયા ! ગન્યાંન લાદયું મને હાચું.
તું મારો મદારી ને હું તારો માંકડો
તું નચાવે ત્યમ હું નાચું
કરહણિયા ! હું તો હવે લડવાનો…
હંજયડો કે’ છે :
જોગી કરહણિયો ને ભડ અરજણિયો
ઇ બેઉ જ્યાં થાયે ભેળા
ધરતયડા ! ઇ બેઉ જ્યાં થાયે ભેળાં
મારું દલડું તો ઇમ શાખ્ય પૂરે સે
તિયાં દા’ડી ઊડે ઘીકેળાં
ધરતયડા ! દા’ડી ઊડે ઘીકેળાં… !
તડપદા શબ્દો ::
ધરતયડો = ધૃતરાષ્ટ્ર, ધરમછેતર = ધર્મક્ષેત્ર, કરુછેતર = કુરુક્ષેત્ર,
હંજયડો = સંજય, અરજણિયો = અર્જુન, કરહણિયો = કૃષ્ણ,
ખતરી = ક્ષત્રી, જુધમાં = યુદ્ધમાં, હરગ = સ્વર્ગ, સસ્યો = સંશયો,
ગન્યાંન = જ્ઞાન, શાખ્ય = સાક્ષી, દા’ડી = રોજ.
Entry filed under: કવિતા.
1.
વિવેક | જાન્યુઆરી 16, 2007 પર 10:53 એ એમ (am)
અરે અમિત! આ મોતી ક્યાંથી ગોતી લાવ્યા? મજા પડી ગઈ… અભિનંદન…
2.
Urmi Saagar | જાન્યુઆરી 17, 2007 પર 8:13 એ એમ (am)
હાવ હાચી વાત…
ભૈ અમીત્યાં, આવું સરસ ગામઠી ગઇતા-ગન્યાંન ક્યાંથી શોધી લાયો!
વાંચ્વાની બો જ મજા પડી ગૈ ભૈ…!!
(આ ગોફણ ગીતા વાંચીને મને ય જરા તરા ગામઠી જ્ઞાન આવ્યું હોય એવું લાગ્યું! 🙂 જુગલકાકા, ભુલ હોય તો જણાવજો હોં! )
3.
hemantpunekar | જાન્યુઆરી 17, 2007 પર 1:52 પી એમ(pm)
વાહ વાહ અમિતભાઇ, ભાંગી નાખ્યા, તોડી નાખ્યા ભુક્કા કરી નાખ્યા. જબરદસ્ત રચના આપી છે.
4.
સુરેશ જાની | જાન્યુઆરી 18, 2007 પર 9:15 પી એમ(pm)
ભારે કીધી મારા વ્હાલા ! ઠીક ગોતી લાયો , હવે આનો સરજણહાર ગોતવો જ પડશે . ઇ તો હાચ્ચુકલાનો ગરુ નેંકળ્યો !!!