Archive for જાન્યુઆરી 31, 2007
નાનકડી નારનો મેળો – વેણીભાઇ પુરોહિત.
( 01-02-1916 :: 03-01-1980 )
ચિત્ર : પ્રિયા આનંદરાય પરિયાણી.
હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં,
તેજના ટશિયા ફૂટે રે લોલ ;
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં,
ખીલેથી વાછડાં છૂટે રે લોલ.
હાલોને સહિયર ! પાણીડાં જઇએ,
વીરડે વાતું કરશું રે લોલ :
વાટકે વાટકે ભરશું રે લોલ.
આખાબોલું તે અલી અલ્લડ જોબનિયું,
હૈયે ફાગણિયો ફોરે રે લોલ :
ઘૂમટો તાણીને હાલો ઉતાવળી,
ઘરડા બેઠા છે ગામચોરે રે લોલ –
હાલોને સહિયર…
નેણનાં નેવાંને ઊટકે આંજણિયાં,
હથેળી હેલને માંજે રે લોલ :
ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું,
એકબીજાને ગાંજે રે લોલ.
હાલોને સહિયર…
સાસુએ માગ્યાં ઊનાં પાણીને
સસરે દાતણ માગ્યું રે લોલ ;
કાચી નીંદરને કાંઠેથી સપનું
મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ.
હાલોને સહિયર…
હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં
તેજના ટશિયા ફૂટે રે લોલ :
મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો,
આપણી વાતું નો ખૂટે રે લોલ –
હાલોને સહિયર…
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે
પ્રાણ પ્યારૂ છે રે અમને અતિશય વ્હાલુ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.
ઇલોરગઢ જેવુ ગામ
તેમા વિશ્વકર્મા પ્રભુજીનું ધામ છે… (2)
એવુ શ્રી દાદાજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.
બ્રહ્મા લેશે તમારૂ નામ
વિષ્ણુ લેશે તમારૂ નામ રે… (2)
શિવજી ભજશે તમારા નામ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.
રન્નાદે લેશે તમારૂ નામ
સરસ્વતી લેશે તમારૂ નામ રે… (2)
ગાયત્રી જપશે તમારા નામ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે
દેવો કરશે જય જય કાર
પાંચે પુત્રો લાગે પાય રે… (2)
અમને શરણે લેજો આજ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.
આઠે પ્રહર – જયંત વસોયા.
તારી નજર મારી નજર,
આપણે બન્ને તર-બ-તર.
તું સંભવે મારા વગર ?
હું સંભવે મારા વગર ?
ઘટના ઘટી ઘટ ભીતરે,
જાણે થયું મન માનસર.
સમરસ બધે હોવાય છે,
લોપાઇ ગઇ સઘળી અસર.
છે એક સાગર ઊછળતો,
ભાસે અલગ એની લહર.
ના યાચના, ના પ્રાર્થના,
આનંદ બસ, આઠે પ્રહર.
મિત્રોના પ્રતિભાવ