Archive for જાન્યુઆરી, 2007
નિદાન – ફિલિપ ક્લાર્ક.
ગઇ કાલે
લોકશાહીના
પેટમાં
સખત
દુખાવો ઊપડ્યો.
ડૉક્ટરે
તપાસીને કહ્યું :
‘પેટમાં’
સત્તાની ગાંઠ છે.
મેળો આપો તો – હરિન્દ્ર દવે. Harindra Dave.
મેળો આપો તો એક માનવીની સંગ
અને એકલતા આપો તો ટોળે,
જીવન આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે !
તરતાં ના આવડે લગાર અને તગતગતા
તડકાનો દરિયો લલકારે.
થાકેલી આંખો અંજાતી નથી, તોય
થોડાં મૃગજળ ચળકે છે મઝધારે.
ટીપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.
સૂની બપોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો.
ઊગતી સવારના આ ડહોળા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો.
કોઇએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
કોણ હવે આકાશે ઢોળે ?
પોત અલગ છે ! – રાજેન્દ્ર શુક્લ.
સાવ અમારી જાત અલગ છે,
કરવી છે તે વાત અલગ છે ;
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને
જાગે તેની રાત અલગ છે !
નખશિખ કવચ ધરી શું કરિયેં,
આડી ઢાલ ધરી શું કરિયેં ;
અદીઠ રહીને મર્મ ભેદતા
અંદરના આઘાત અલગ છે !
આખેઆખું ઝંઝેડી આ
ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એ ય ભલે જાણી લેતા કે
તરણાની તાકાત અલગ છે !
શ્વાસે શ્વાસે સુગંધ જેવું
હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે,
સાજનની સોગાત અલગ છે !
ભરી સભામાં એક એમની
વાત અનોખી કાં લાગે આ ?
શબ્દો એના એ જ પરંતુ
પોત અલગ છે, ભાત અલગ છે !
વર્ષો પછી – પન્ના નાયક. Panna naik.
કેટકેટલાં વર્ષો પછી
મારે બારણે તારો પત્ર…..
દ્વાર ટકોર્યું
પત્ર લીધો
ખોલ્યો
અક્ષરો ઝંઝા થઇને ઊમટ્યા
ઊકલી નહીં એ લિપિ
ઝાંખી શાહી
– વહ્યા સમયની વાણી વહી રહી ચૂપચાપ
કેટકેટલાં વર્ષો પછી
આંખ ઉકેલે આંસુ.
સતત ઝંખ્યા કરે છે – બરકત વિરાણી ‘બેફામ’.
સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હ્રદય તમને,
થશે તમને ય આવું, થઇ જશે જ્યારે પ્રણય તમને.
હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું,
કદી લાગે ન મારી જેમ એકલતાનો ભય તમને.
મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.
મને એથી જ કંઇએ દુઃખ નથી મારા પરાજયનું,
ખુદાની પાસે મેં માગ્યું હતું આપે વિજય તમને.
જગતમાંથી હવે હું જાઉં છું સર્વસ્વ છોડીને,
તમે આવો તો સોંપી જાઉં હું મારું હ્રદય તમને.
જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?
કોઇ લાખ કરે ચતુરાઇ – પ્રદીપજી.
કોઇ લાખ કરે ચતુરાઇ, કરમકા લેખ મિટે ના રે ભાઇ
જરા સમજો ઇસકી સચ્ચાઇ રે, કરમકા લેખ મિટે ના રે ભાઇ.
ઇસ દુનિયામેં ભાગ્યસે આગે, ચલે ન કિસીકા ઉપાય.
કાગજ હો તો સબ કોઇ બાંચે, કરમ ન બાંચા જાય,
એક દિન કિસ્મતકે કારણ બનમેં ચલે રઘુરાઇ.
કરમકા લેખ મિટે ના રે ભાઇ… કોઇ…
હરિશ્ચંદ્રને સતકે કારણ, રાજ કો ઠોકર લગાઇ,
કરમકા લેખ મિટે ના રે ભાઇ… કોઇ…
કાહે તૂ મનવા ધીરજ ખોતા, કાહે તૂ નાહક રોય,
અપના સોચા કભી નહીં હોતા, ભાગ્ય કરે સો હોય.
ચાહે હો રાજા, ચાહે ભિખારી, ઠોકર સભીને યહાં ખાઇ… કોઇ…
જરા સમજો ઇસકી સચ્ચાઇ રે, કરમકા લેખ મિટે ના રે ભાઇ.
કોઇ લાખ કરે ચતુરાઇ, કરમકા લેખ મિટે ના રે ભાઇ.
કોને ખબર – રમેશ પારેખ. Ramesh Parekh.
પાંદડું કેવી રીતે પીળું થયું, કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું, કોને ખબર ?
શહેર પર ખાંગી થઇ વરસી પડી આખી વસંત
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું, કોને ખબર ?
શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ?
અને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?
સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત
ને સવારે આંખમાંથી શું વહ્યું, કોને ખબર ?
માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?
મેં અરીસાને અમસ્થો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?
સમજણ તે આપણા બેની – ચંદ્રકાન્ત શેઠ.
તારી તે હોડી ને મારાં હલેસાં છે,
દરિયો તે આપણા બેનો ;
તારી તે ગાડી ને મારા છે ઘોડલા,
રસ્તો તે આપણા બેનો ;
તારા બળદ ને મારાં હળલાકડાં,
ખેતર તે આપણા બેનું ;
તારો તે ચાંદલો ને મારો સૂરજ છે,
આખું નભ આપણા બેનું.
તારી તે વાટ અને મારું છે તેલ મહીં,
જ્યોતિ તે આપણા બેની ;
તારું છે ફૂલ અને મારું પતંગિયું,
મધુરપ તે આપણા બેની.
કૂવાને કાંઠડે – નિરજંન ભગત. Niranjan Bhagat.
દીઠી કૂવાને કાંઠડે,
રે એને કૂવાને કાંઠડે દીઠી !
ઓઢી આછેરી ઓઢણી રાતી,
એની કાંચળીમાં કાયા ન માતી ;
કોણ જાણે કોનીયે લગનીમાં લાવણી ગાતી !
કોઈ કેસરિયા છેલના છોગાને સમણે,
ચડતી જુવાની જાણે રંગતમાં રમણે ;
મેંદીની મ્હેક શી મીઠી,
રે એને કૂવાને કાંઠડે દીઠી !
કીકીએ કામણનું કાજળ આંજી,
એની પાંપણ ઢળે છે લાજી લાજી ;
એના મુખની મરકથી પૂનમની રાત થાય રાજી !
તાકી તાકીને જુએ કાળ જાણે કહાનજી,
રાધા શી એને રંગભીને તે વાન જી.
ચોળી ચંદનની પીઠી ;
રે એને કૂવાને કાંઠડે દીઠી !
ના તને ખબર પડી, ના મને ખબર પડી – તુષાર શુક્લ.
[odeo=http://odeo.com/audio/5008293/view]
ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી.
બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી
શરમાઇ જતી તો’યે મને જાણ’તો થતી,
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયુના રહ્યું હાથ ગયુ ઢાળમાં દળી,
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયુ મળી.
ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં,
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી.
મારા વિના ઉદાસ છો એ જાણું છું પ્રીયે
મે પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મે સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને
તું આવ્યો જ્યાં નજીકને ત્યાં ઉકલી ગઇ ગડી.
ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી.
મિત્રોના પ્રતિભાવ