Archive for ફેબ્રુવારી, 2007
પૂરી નથી થાતી – ઉર્વીશ વસાવડા.
ગુનો શું છે ખબર ક્યાં છે સજા પૂરી નથી થાતી,
અમારા ભાગ્યવશ આ દુર્દશા પૂરી નથી થાતી.
બચ્યું એકે નથી ટીપું પીવાનું મયકદામાં પણ
બધા મયકશ કહે છે કે મજા પૂરી નથી થાતી
સ્વભાવે હોય ફરીયાદી એ ફરિયાદી જ રહેવાનો
કબરમાં જઇ કહેશે કે જગા પૂરી નથી થાતી
લખી છે વાત એની એ બધાં પાને, બધા યુગમાં
છતાં કૌતુક છે માનવની કથા પૂરી નથી થાતી
જગતનાં પાપ પુણ્યોના હિસાબો જોઇ લાગ્યું કે
મૂડી સત્કર્મની ખાતે જમા પૂરી નથી થાતી.
શબ્દ – લાભશંકર દવે.
પામી શકાય ક્યાંથી કહો પાર શબ્દનો ?
ઇશ્વર જેટલો જ છે વિસ્તાર શબ્દનો.
એ આવતો નથી બહાર કદી સાચા અર્થમાં,
જે નીકળે છે એ તો છે વ્યવહાર શબ્દનો.
એને નહીં નડે પછી અર્થોનું આવરણ,
થઇ જાય પરિચય જો કોઇ વાર શબ્દનો.
તો હાસ્ય કે રૂદનરૂપે એ વ્યક્ત થૈ જશે,
જીરવી નહીં શકે જો હ્રદય ભાર શબ્દનો.
એ વાત છે જુદી કે તમે સાંભળો નહીં,
નહીંતર સતત થયા કરે સંચાર શબ્દનો.
આ કોણ આવા શબ્દ અહીં વેરતું ગયું ?
મ્હેંકી રહ્યો છે જાણે કે ગુલઝાર શબ્દનો.
લાગે છે – સૈફ પાલનપુરી.
એ રીતે તમારાં સ્વપ્નોમાં અંધકાર મનોહર લાગે છે ;
જે રીતે કો સુંદર નયનોમાં કાજલ અતિ સુંદર લાગે છે.
નયનોને જે સુંદર લાગે છે, દિલને જે મનોહર લાગે છે ;
કિસ્મતના ગજાથી એ વસ્તુ, હંમેશ મને પર લાગે છે.
સંજોગ હિમાલય જેવા છે બરબાદ મુકદ્દર લાગે છે,
અંતરને છતાં તુજ અંતરથી બહુ થોડું અંતર લાગે છે.
સૌ કે’છે હજી હું ભટકું છું, દિલ કે’છે કે મંજિલ આવી ગઇ,
જે દ્વાર ઉપર જઇ પહોંચું છું – મારું જ મને ઘર લાગે છે.
વિખરાઇ હશે કોઇની લટો એથી જ તો ખુશ્બુ છે ચોગમ,
આ બાગ-બગીચા મસ્ત પવન ચિઠ્ઠીના ચાકર લાગે છે.
ઓ ફૂલને નાજુક કહેનારા, કંઇ મારાં દુઃખોની રાખ ખબર,
હું સ્મિત ફરકાવું છું – તો ચોટ હ્રદય પર લાગે છે.
બદનામ છે પથ્થર દુનિયામાં, મેં જાણ્યું તમારા વર્તનથી,
ક્યારેક જીવનના મારગ પર ફૂલોનીય ઠોકર લાગે છે.
જો મોત મળે ભરયૌવનમાં, તો શોક ન કરજો ‘સૈફ’ ઉપર,
રંગીન નશીલી મોસમમાં હર ચીજ સમયસર લાગે છે.
દરિયો – પન્ના નાયક.
નિજાનંદમાં
ગેલતી વિહરતી દેખાતી
માછલીએ
એવાં તે કેટલાં આંસુ સાર્યા હશે
કે ખારો ખારો થઇ ગયો
આખો દરિયો ?
જિંદગીમાં – જયંત વસોયા.
પહોંચે ભલેને ગમે તે સદીમાં,
કશો ફેર પડશે નહીં આદમીમાં.
નથી રંજ અંધારનો પણ હવે તો –
ઘણો પંથ ભટકી ગયા ચાંદનીમાં !
તમે ક્યા મુકામે અમોને ઉપાડ્યા ?
ન નેકીમાં જીવ્યા અમે ના બદીમાં,
કશું ભેદ જેવું રહેશે નહીં પણ,
હશે જો અસર તુજ દુવા બંદગીમાં !
અલંકાર પણ આવરણ થઇ જવાનાં –
ખરું રૂપ શોભે સહજ સાદગીમાં,
જગતમાં અગર ના મહોબ્બત રહે તો,
નથી જિંદગી જેવું કૈં જિંદગીમાં !
દિલનું શું થયું ? – બરકત વિરાણી ‘બેફામ’.
મરે ભલેને ત્યાંથી ઊઠીને જવું પડ્યું,
એ તો કહો કે આપની મહેફિલનું શું થયું ?
નૌકા તો ખેર ડૂબી ગઇ છે તૂફાનમાં,
એની હવે ફિકર છે કે સાહિલનું શું થયું ?
પહોંચ્યો નથી હું એની ફિકર થાય છે મને,
જ્યાં પહોંચવું છે મારી એ મંઝિલનું શું થયું ?
‘બેફામ’ મેં તો કોઇને આપી દીધું હતું,
કોને ખબર છે ત્યાર પછી દિલનું શું થયું ?
પ્રેમ – આહમદ મકરાણી.
જિંદગીનું નામ બીજું પ્રેમ છે,
ને ગણો તો એ બધાનો વહેમ છે.
સૌ કહે છે કે બધું બદલી ગયું,
ને ખરેખર તો હતું એ એમ છે.
આમ ચિંતા, દોસ્ત, નાહક કર નહીં –
હર કસોટી તો ખુદાની રહેમ છે.
કે હસું હું, કે રડું એ તો કહો,
ઘાવ દેનારા પૂછે છે : ‘કેમ છે ?’
ભીંત પર ટાંગું સ્વપ્ન કેરી છબી,
કેટલા યુગોથી ખાલી ફ્રેમ છે.
પહેલી પહેલી વાર… – નિનાદ અધ્યારુ.
પહેલી પહેલી વાર કર્યો છે ;
હા, અમે પણ પ્યાર કર્યો છે.
આર કર્યો છે, પાર કર્યો છે ;
આંખોનો ઉદ્ધાર કર્યો છે.
પ્રેમમાં એના બોળી-બોળી,
દિલનો તારે-તાર કર્યો છે.
મેં કહી દીધું બધ્ધું એને,
એણે પણ એકરાર કર્યો છે.
ઊંડા ઊંડા જખ્મો દીધા,
ને કહે છે ઉપચાર કર્યો છે !
એમ જુએ એ મારી સામે,
જાણે કે ઉપકાર કર્યો છે !
‘નિનાદ’ બીજું તો શું જોઇએ ?
યાર જેવો મેં યાર કર્યો છે !
આયનાની જેમ – મનોજ ખંડેરિયા.
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને
ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છૂંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે
આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.
એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે –
જાણે કે છાતીમાં ધરબાતા ખીલા
પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.
પ્રેમ – ઉર્વીશ વસાવડા.
ભાગ્યમાં ના રાત કાળી જોઇએ
હો ભલે છલના, રૂપાળી જોઇએ.
હોય જો એકાંત ઠંડુગાર તો
એક બે યાદો હૂંફાળી જોઇએ.
એકલો હું ગાઉં એ પૂરતું નથી
તાલમાં એની યે તાળી જોઇએ.
કેમ રોકાશે પીડાનું પૂર આ
ચાલને ગઝલોમાં વાળી જોઇએ.
પ્રેમ તો વનફૂલ છે ઊગશે સહજ
માવજત એને ન માળી જોઇએ.
મિત્રોના પ્રતિભાવ