Archive for ફેબ્રુવારી 21, 2007

લાગે છે – સૈફ પાલનપુરી.

એ રીતે તમારાં સ્વપ્નોમાં અંધકાર મનોહર લાગે છે ;
જે રીતે કો સુંદર નયનોમાં કાજલ અતિ સુંદર લાગે છે.

નયનોને જે સુંદર લાગે છે, દિલને જે મનોહર લાગે છે ;
કિસ્મતના ગજાથી એ વસ્તુ, હંમેશ મને પર લાગે છે.

સંજોગ હિમાલય જેવા છે બરબાદ મુકદ્દર લાગે છે,
અંતરને છતાં તુજ અંતરથી બહુ થોડું અંતર લાગે છે.

સૌ કે’છે હજી હું ભટકું છું, દિલ કે’છે કે મંજિલ આવી ગઇ,
જે દ્વાર ઉપર જઇ પહોંચું છું – મારું જ મને ઘર લાગે છે.

વિખરાઇ હશે કોઇની લટો એથી જ તો ખુશ્બુ છે ચોગમ,
આ બાગ-બગીચા મસ્ત પવન ચિઠ્ઠીના ચાકર લાગે છે.

ઓ ફૂલને નાજુક કહેનારા, કંઇ મારાં દુઃખોની રાખ ખબર,
હું સ્મિત ફરકાવું છું – તો ચોટ હ્રદય પર લાગે છે.

બદનામ છે પથ્થર દુનિયામાં, મેં જાણ્યું તમારા વર્તનથી,
ક્યારેક જીવનના મારગ પર ફૂલોનીય ઠોકર લાગે છે.

જો મોત મળે ભરયૌવનમાં, તો શોક ન કરજો ‘સૈફ’ ઉપર,
રંગીન નશીલી મોસમમાં હર ચીજ સમયસર લાગે છે.

ફેબ્રુવારી 21, 2007 at 11:53 પી એમ(pm) 4 comments

દરિયો – પન્ના નાયક.

નિજાનંદમાં
ગેલતી વિહરતી દેખાતી
માછલીએ
એવાં તે કેટલાં આંસુ સાર્યા હશે
કે ખારો ખારો થઇ ગયો
આખો દરિયો ?

ફેબ્રુવારી 21, 2007 at 6:58 પી એમ(pm) 1 comment


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

ફેબ્રુવારી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728