Archive for માર્ચ, 2007

પાગલ થઇ ગઇ – પન્ના નાયક.

હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ,
                        એવી પાગલ થઇ ગઇ,

હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઇ ગઇ,
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.

હું તો કંઇ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી : મેં તારા કંઇ ગીત ઘૂંટ્યાં ;
તારી સાથેની મારી પળપળની વાત,
મારી કોરી આંખોનું કાજળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.

હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું ;
કેવાં આ લાભશુભ : ઓચિંતા એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.

માર્ચ 28, 2007 at 1:21 પી એમ(pm) 8 comments

કાગળ – સુરેશ દલાલ.

ઊભી ઊભી તારો હું કાગળ વાંચું : તારા અક્ષરમાં મારું ત્રિભુવન.
એક એક શબ્દની ડાળી પર ઝૂલું ને ધરતી પર અવતરે ગગન.

            હવે આખો દિવસ ગીત ગુંજ્યા કરીશ
                        અને રાતે હું તો સપનાંની નાવમાં,
            વાત મારી ઘૂમટો તાણી બેઠી છે
                        મને પૂછો નહીં પાગલ કિયા ભાવમાં ?

મારી શય્યા પર ઓશીકાને થાય છે રોમાંચ અને ઓઢવાનું ઝંખે એક જણ.
ઊભી ઊભી તારો હું કાગળ વાંચું : તારા અક્ષરમાં મારું ત્રિભુવન.
           
            આખી દુનિયા હવે વ્હાલી લાગે :
                        મારી મુઠ્ઠીમાં ચાંદની ને તડકો,
            હોઠને કહું કે હવે રહેવાનું ચૂપ
                        તો આંખમાંથી છલકે ઉમળકો.

કેમ કરી કેવી રીતે સંભાળું મને : મારી ફરકે છે ડાબી પાંપણ.
ઊભી ઊભી તારો હું કાગળ વાંચું : તારા અક્ષરમાં મારું ત્રિભુવન.

માર્ચ 22, 2007 at 9:57 પી એમ(pm) 7 comments

રેત પર કોને – મનોજ ખંડેરિયા.

લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.

કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.

કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.

મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.

હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.

મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.

જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.

સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.

બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.

#    કવિ પરિચય.

માર્ચ 18, 2007 at 9:09 પી એમ(pm) 8 comments

કઇ રીતે ? – આહમદ મકરાણી.

હે સનમ, તારી ગલીમાં આવું કઇ રીતે ?
જ્યાં નથી તારા કદમ ત્યાં જાવું કઇ રીતે ?

ઝાડ-પાને કૃષ્ણ બેઠા વાંસળી બની ;
એ નદીમાં ગોપીઓએ ન્હાવું કઇ રીતે ?

બોધ માનવતા તણો સૌને ગમે અહીં ;
એ જ મુશ્કેલી કે માનવ થાવું કઇ રીતે ?

પ્રશ્ન કાયમ જિંદગી વિષે અફર રહ્યો ;
‘ચીતરેલું ફળ મળ્યું છે’ – ખાવું કઇ રીતે ?

દિલ સતત ઘડક્યા કરે કાં ઇંતજારમાં ?
એ નહીં આવે હવે સમજાવું કઇ રીતે ?

માર્ચ 15, 2007 at 9:23 પી એમ(pm) 7 comments

અમૃત ઘાયલ અને નિર્મિશ ઠાકર.

દુનિયા ફરી ગઇ – અમૃત ઘાયલ.   પ્રતિકૃતિ   રસ્તો જડી ગયો, તો – નિર્મિશ ઠાકર.

આજે કમાલ એની નિગાહો કરી ગઇ,               ઊંચું પ્રણયનું સ્તર હતું, નીચું કરી ગઇ,
આંખોમાં રસ હતો તે હ્રદયમાં ભરી ગઇ.         આંખોમાં રસ હતો તે હ્રદયમાં ભરી ગઇ.

બેસી ગયું હ્રદય અને આશા મરી ગઇ,            ટોળે વળ્યા રતાંધળા, રજની ઠરી ગઇ,
દૃષ્ટિ ફરી શું એમની, દુનિયા ફરી ગઇ.            દૃષ્ટિ ફરી શું એમની, દુનિયા ફરી ગઇ.

મસ્તીભરી નિગાહ ગજબની હતી નિગાહ !      ગીઝર સમા હ્રદય મહીં અશ્રુ ભરી ગઇ,
પાણીને આગ આગને પાણી કરી ગઇ.             પાણીને આગ આગને પાણી કરી ગઇ.

નિરદય નિરાશા જિંદગીભર જીવતી રહી,         કેમે ટળ્યું ના વિદ્વતાનું વાંઝિયાપણું !
આશા બિચારી જન્મી ન જન્મી મરી ગઇ.        આશા બિચારી જન્મી ન જન્મી મરી ગઇ.

એ ભૂમિકા યે આવી ગઇ પ્રેમપંથમાં !              આંખોના તબીબે ય લખ્યું કાવ્ય આ રીતે :
નજરો બળી ગઇ અને આંખો ઠરી ગઇ.            ‘નજરો બળી ગઇ અને આંખો ઠરી ગઇ’.

ચક્કરના હાથે ભાગ્યનું ચક્કર ફરી ગયું !        વર્તન મહીં ય આખરે નારી પ્રગટ થઇ,
આવ્યો કિનારો પાસ તો નૌકા ફરી ગઇ.          આવ્યો કિનારો પાસ તો નૌકા ફરી ગઇ.

કાબૂમાં છેવટે ન રહ્યો રથ હ્રદય તણો,             કાબૂમાં છેવટે ન રહ્યો રથ હ્રદય તણો,
ક્યારે ન જાણે હાથથી રશ્મિ સરી ગઇ.             રસ્તો જડી ગયો તો દિશાઓ ફરી ગઇ !

એ દોસ્તી ભલા શું હતી, દુશ્મની હતી !           એણે હ્રદયપ્રવેશ દીધો બેઉને, પછી –
બે દોસ્ત જેવા દોસ્તને દુશ્મન કરી ગઇ.          બે દોસ્ત જેવા દોસ્તને દુશ્મન કરી ગઇ.

‘ઘાયલ’ ન ઓળખી શકી મારી નજર મને,      જેનો હિસાબ આજ બુઢાપ ન દઇ શકે,
કંઇ એવો પાયમાલ જવાની કરી ગઇ.              કંઇ એવો પાયમાલ જવાની કરી ગઇ.

માર્ચ 15, 2007 at 7:04 એ એમ (am) 6 comments

રમવું હોય તો – સુરેશ દલાલ.

રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને
છાનગપતિયાં કરવાં એ તો શોભે નહીં અલગારીને.

            ધરતીને નહીં ઢાંકપિછોડો
                        ખુલ્લું છે આકાશ,
            છળકપટના શ્વાસમાં છેવટ
                        હોય નહીં કોઇ હાશ.

મુજરો શાને કરવો આપણે સાચું-ખોટું નાચીને ?
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

            આપણે સાથે રમવા બેઠાં
                        એનો છે આનંદ,
            બાજી છે : પણ નહીં બાજીગર
                        નહીં શ્રીમંત કે રંક.

હસતાં હસતાં રમીએ રાજા ! દંભને સદા ફગાવીને.
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

            અંચઇનું કોઇ નામ નહીં
                        કે અંચઇનું કોઇ કામ નહીં, 
            કોઇ હુકમનું પાનું નહીં
                        ને કોઇ અહીં ગુલામ નહીં.

કરો પ્રતીક્ષા રઘુરાયની શબરીનાં બોર ચાખીને.
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

માર્ચ 11, 2007 at 11:47 પી એમ(pm) 3 comments

આ છોકરીઓ ગજબની ચીજ છે – નિનાદ અધ્યારુ.

ચિત્ર :   ભાટી એન.

આ છોકરીઓ ગજબની ચીજ છે !
છંછેડો એને તો સૂરજ છે કાળઝાળ
            આઘેથી જુઓ તો ઇદ છે !

આંખો જાણે કે એની હેલોજન લાઇટ,
            અને નજરો જાણે કે એની ચાકુ,

બુક્કાની બાંધીને સ્કૂટર ચલાવે જાણે
            ઘોડા પર ચંબલનો ડાકુ !

એક રીતે જુઓ તો સેલ્ફસ્ટાર્ટ આઇટમ
            ને એક રીતે જુઓ તો કીક છે !

ચહેરા પર ખીલ જોઇ અરીસાને ગાળ દે,
            ને વાળ એના ખરતાં તો રોતી,

અંદર-અંદરથી એવી ચોળાયા કરતી કે
            હું પેલા આવી તો ન્હોતી !

ચાલુ-બંધ ચાલુ-બંધ થાતી આ છોકરીઓ
            જાણે કોઇ ઇલેકટ્રીક સ્વીચ છે !

એની કોઇ બહેનપણી સાથે હું બોલું
            તો એને દિલ પડતાં ઉઝરડાં,

મારે તો શું ! હું તો હાંઇકે રાખું,
            વગર દોરીના ફેરવું ભમરડાં !

રહેવા દે ભઇલા, એ એમ નહિ માને,
            એને રાજી કરવાની એક રીત છે !

સાભાર   :   નિનાદ અધ્યારુ.

માર્ચ 8, 2007 at 9:34 પી એમ(pm) 41 comments

Older Posts


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 258,178 અમીનજરું

દિવસવાર ટપાલ

માર્ચ 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031