Archive for માર્ચ 15, 2007

કઇ રીતે ? – આહમદ મકરાણી.

હે સનમ, તારી ગલીમાં આવું કઇ રીતે ?
જ્યાં નથી તારા કદમ ત્યાં જાવું કઇ રીતે ?

ઝાડ-પાને કૃષ્ણ બેઠા વાંસળી બની ;
એ નદીમાં ગોપીઓએ ન્હાવું કઇ રીતે ?

બોધ માનવતા તણો સૌને ગમે અહીં ;
એ જ મુશ્કેલી કે માનવ થાવું કઇ રીતે ?

પ્રશ્ન કાયમ જિંદગી વિષે અફર રહ્યો ;
‘ચીતરેલું ફળ મળ્યું છે’ – ખાવું કઇ રીતે ?

દિલ સતત ઘડક્યા કરે કાં ઇંતજારમાં ?
એ નહીં આવે હવે સમજાવું કઇ રીતે ?

માર્ચ 15, 2007 at 9:23 પી એમ(pm) 7 comments

અમૃત ઘાયલ અને નિર્મિશ ઠાકર.

દુનિયા ફરી ગઇ – અમૃત ઘાયલ.   પ્રતિકૃતિ   રસ્તો જડી ગયો, તો – નિર્મિશ ઠાકર.

આજે કમાલ એની નિગાહો કરી ગઇ,               ઊંચું પ્રણયનું સ્તર હતું, નીચું કરી ગઇ,
આંખોમાં રસ હતો તે હ્રદયમાં ભરી ગઇ.         આંખોમાં રસ હતો તે હ્રદયમાં ભરી ગઇ.

બેસી ગયું હ્રદય અને આશા મરી ગઇ,            ટોળે વળ્યા રતાંધળા, રજની ઠરી ગઇ,
દૃષ્ટિ ફરી શું એમની, દુનિયા ફરી ગઇ.            દૃષ્ટિ ફરી શું એમની, દુનિયા ફરી ગઇ.

મસ્તીભરી નિગાહ ગજબની હતી નિગાહ !      ગીઝર સમા હ્રદય મહીં અશ્રુ ભરી ગઇ,
પાણીને આગ આગને પાણી કરી ગઇ.             પાણીને આગ આગને પાણી કરી ગઇ.

નિરદય નિરાશા જિંદગીભર જીવતી રહી,         કેમે ટળ્યું ના વિદ્વતાનું વાંઝિયાપણું !
આશા બિચારી જન્મી ન જન્મી મરી ગઇ.        આશા બિચારી જન્મી ન જન્મી મરી ગઇ.

એ ભૂમિકા યે આવી ગઇ પ્રેમપંથમાં !              આંખોના તબીબે ય લખ્યું કાવ્ય આ રીતે :
નજરો બળી ગઇ અને આંખો ઠરી ગઇ.            ‘નજરો બળી ગઇ અને આંખો ઠરી ગઇ’.

ચક્કરના હાથે ભાગ્યનું ચક્કર ફરી ગયું !        વર્તન મહીં ય આખરે નારી પ્રગટ થઇ,
આવ્યો કિનારો પાસ તો નૌકા ફરી ગઇ.          આવ્યો કિનારો પાસ તો નૌકા ફરી ગઇ.

કાબૂમાં છેવટે ન રહ્યો રથ હ્રદય તણો,             કાબૂમાં છેવટે ન રહ્યો રથ હ્રદય તણો,
ક્યારે ન જાણે હાથથી રશ્મિ સરી ગઇ.             રસ્તો જડી ગયો તો દિશાઓ ફરી ગઇ !

એ દોસ્તી ભલા શું હતી, દુશ્મની હતી !           એણે હ્રદયપ્રવેશ દીધો બેઉને, પછી –
બે દોસ્ત જેવા દોસ્તને દુશ્મન કરી ગઇ.          બે દોસ્ત જેવા દોસ્તને દુશ્મન કરી ગઇ.

‘ઘાયલ’ ન ઓળખી શકી મારી નજર મને,      જેનો હિસાબ આજ બુઢાપ ન દઇ શકે,
કંઇ એવો પાયમાલ જવાની કરી ગઇ.              કંઇ એવો પાયમાલ જવાની કરી ગઇ.

માર્ચ 15, 2007 at 7:04 એ એમ (am) 6 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,347 અમીનજરું

દિવસવાર ટપાલ

માર્ચ 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031