Archive for એપ્રિલ, 2007
તપસ્યા – જશુબહેન બકરાણીયા.
વરસોની મારી તપસ્યા આજે ફળી છે,
જુઓ આંગણે જ શુભ ઘડી મળી છે.
ઓ ! હ્રદય તું કેમ કરીને સાચવીશ,
લાગણીઓ ફાંટો ભરી ભરીને મળી છે.
મનુષ્ય હું પણ હતો સાવ અલ્પ સમો,
પૂર્ણની પૂર્ણતા તેમાં ભળી છે.
સંતુષ્ટ છું ‘જશુ’ ખુબ અંદર બહાર,
મને બે અમી ભરેલી આંખડી મળી છે.
વરસોની મારી તપસ્યા આજે ફળી છે,
જુઓ આંગણે જ શુભ ઘડી મળી છે.
સાભાર : જશુબહેન ( કવિતાનું સરનામું : સંપાદન: ડૉ. કૃપા ઠાકર )
એક છોકરી ગમે છે ! – નિનાદ અઘ્યારુ.
ધંધો ન કોઇ ગમતો, ના નોકરી ગમે છે,
કે જ્યારથી, અમોને એક છોકરી ગમે છે !
એનો જ એક ચહેરો ઘૂમ્યાં કરે મગજમાં,
ના ઘર મને ગમે છે, ના ઓસરી ગમે છે !
ટી શર્ટ, જીન્સ પહેરેલી, બહેનપણીઓ વચ્ચે –
પંજાબી ડ્રેસ સાદો, ને ઓઢણી ગમે છે.
બાબત એ ગૌણ છે કે, એમાં લખેલ શું છે,
રાખે ગુલાબ જેમાં, એ ચોપડી ગમે છે.
સખીઓની સંગ જ્યારે એ ખાય શીંગ ખારી,
ફેંકે છે જે અદાથી, એ ફોતરી ગમે છે !
‘નિનાદ’ લાગણીના એ કાર્ડનું કરે શું ?
એને તો લાલ-લીલી કંકોતરી ગમે છે !
સાભાર : નિનાદભાઇ.
ઉંમર – જગદીશ વ્યાસ.
હવે ક્યાં આપણી કોઇ ફિકર કરવાની ઉંમર છે ?
ગળે રૂમાલ બાંધી ફાંકડા ફરવાની ઉંમર છે.
ન આપું કેમ ઝૂકીને સલામી ખૂબસૂરતને ?
હવે તિતલીના રંગોની ઉપર મરવાની ઉંમર છે !
ગુલાલ ઊડી રહ્યો છે લોહીમાં શરણાઇ વાગે છે,
નવું કૈં આપણા જીવતરમાં અવતરવાની ઉંમર છે.
ભલે ક્યારેક સંકેલાઇ રહેવાની હતી ઉંમર,
હવે છુટ્ટા મૂકેલા સઢમાં ફરફરવાની ઉંમર છે.
હવે તો હુંય ખુલ્લો થઇ ગયો છું આભની જેવો,
હવે તો બાથ ખુલ્લી પૃથ્વીને ભરવાની ઉંમર છે !
શ્યામ – દિલીપ રાવલ.
રાધાની ઓઢણીએ સોનેરી તાર,
અને મીરાંને હાથ એકતારો ;
તાર તાર સાથ એક વાતનો વિવાદ,
બોલ, શ્યામ હવે તારો કે મારો.
ટેવ – હિતેન આનંદપરા.
તને ખોટું જો લાગે તો હું શું કરું ?
મને આછકલું અડવાની ટેવ.
હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને
મને ઝરણાનાં પાણી દે અમથા જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને
તને ભીનું ન લાગે તો હું શું કરું ?
મને કોરુંકટ રડવાની ટેવ.
રંગરંગી પતંગિયાની સાથે રહીને કદી ઊડવાની કલ્પના કરી છે ?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે ?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊલળતા દરિયાની ટેવ.
હળવેથી અળગી થઇ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.
વાતો નથી થાતી – ‘નૂરી’
મને એનું નથી દુઃખ કે મુલાકાતો નથી થાતી !
બધે સળગે છે દીપક ને અહીં રાતો નથી થાતી.
જીવનની વેદનાનો એટલો રસ્તો નથી મળતો,
બધાની સાથ કંઇ દિલની બધી વાતો નથી થાતી.
હતી એ વાત જુદી કે સતત એ આવતા મળવા,
હવે હું જાઉં છું તોપણ મુલાકાતો નથી થાતી.
કોઇની લાગણીને સાચવી લેવાનું આ ફળ છે,
અમારાથી અમસ્તી પણ કશી વાતો નથી થાતી.
અમે પણ પ્રેમની પ્રસ્તાવના કીધી નહીં , ‘નૂરી’ !
અને એના તરફથી પણ શરૂઆતો નથી થાતી !
મિત્રોના પ્રતિભાવ