Archive for મે, 2007
કોઇ પ્રીત કરી તો જાણે ! – મહેન્દ્ર વ્યાસ ‘અચલ’
સાભાર : કિશોરભાઇ રાવળ
કોઇ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઇ ભરી તો જાણે ! કોઇ…
દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી,
પળપળને વિસરાવી દેવી ;
જીવતેજીવત આમ જીવનમાં કોઇ મરી તો જાણે ! કોઇ…
દુનિયાની તીરછી દૃષ્ટિમાં,
વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતાં રે’વું,
મનનું કૈં મન પર ના લેવું,
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઇ ફરી તો જાણે ! કોઇ…
મોજાંઓના પછડાટોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે
સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભરસાગરમાં ડૂબી કોઇ તરી તો જાણે !…
કોઇ પ્રીત કરી તો જાણે !
એક ચહેરો – નિનાદ અધ્યારુ.
એકલો ને એકલો બળતો હશે,
આ અરીસો પણ કદી રડતો હશે ?
કેટલો થાતો હશે રોમાંચ ત્યાં,
ચાંદ, વાદળને જરી અડતો હશે !
યાદ આવે કે તરત, મન બાગબાં,
એક ચહેરો કેટલો ગમતો હશે ?
એક માલણ કાન દઇને સાંભળે ;
ફૂલમાં ભમરો, શું ગણગણતો હશે ?
સૂર્યને તો આપણે સમજ્યાં ‘નિનાદ’
ચાંદ આખી રાત શું કરતો હશે ?
સાભાર : નિનાદભાઇ.
સૈયર, શું કરિયેં ? – અનિલા જોષી.
કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
સૈયર, શું કરિયેં ?
આંખોમાં છે ફાગણિયો
ને પાંપણમાં વરસાદ
સૈયર, શું કરિયેં ?
ઊંઘમાં જાગે ઉજાગરો
ને સમણાંની સોગાદ
સૈયર, શું કરિયેં ?
મૂંગામંતર હોઠ તો મારા
ને હૈયું પાડે સાદ
સૈયર, શું કરિયેં ?
પિયર લાગે પારકું
કે સાસરિયાંનો સ્વાદ
સૈયર, શું કરિયેં ?
પગમાં હીરનો દોર વીંટાયો
ને ઝરણાંનો કલનાદ
સૈયર, શું કરિયેં ?
તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
સૈયર, શું કરિયેં ?
મિત્રોના પ્રતિભાવ