Archive for જૂન, 2008
ગૂજરાતી :: પંકજ વોરા.
સફળતાનો પીનકોડ ગૂજરાતી,
સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી.
કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી,
એકડાનો કરે બગડો ગૂજરાતી.
નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી,
સિદ્ધિઓની વડવાઇ ગૂજરાતી.
લોટો લઇને દૈ દે ઘડો ગૂજરાતી,
વખત પડે ત્યાં ખડો ગૂજરાતી.
દુશ્મનને પડે ભારે ગૂજરાતી,
ડૂબતાને બેશક તારે ગૂજરાતી.
એસ્કિમોને ફ્રીજ વેચે ગૂજરાતી,
ક્યાંક કંપની નામે ઢેંચે ગૂજરાતી.
દેશમાં ABC ની હવા ગૂજરાતી,
પરદેશમાં ઓમશ્રી સવા ગૂજરાતી.
પાછાં પગલાં ના પાડે ગૂજરાતી,
કાંકરામાંથી ઘઉં ચાળે ગૂજરાતી.
ફાફડા ઢોકળાં ઘારી ગૂજરાતી,
પાનની સાયબા પિચકારી ગૂજરાતી.
એની ડીંગમાંયે કૈંક દમ ગૂજરાતી,
હર કદમ પર વેલકમ ગૂજરાતી.
મહેમાનનું પહેલું પતરાળું ગૂજરાતી,
છેલ્લે અપનું વાળું ગૂજરાતી.
ગાંધી, મુનશી સરદાર ગૂજરાતી,
ક્ષિતિજની પેલે પાર ગૂજરાતી.
સાભાર :: રેનબસેરા.
અંતરિયાળ :: લાલજી કાનપરિયા.
પ્રેમ પ્રેમની રમત આપણે રમશું અંતરિયાળ,
કેડી મેલી, મારગ મેલી ભમશું અંતરિયાળ.
ફૂલોનો તું ઢગલો કરજે લૈ સામટી ગંધ,
હું પતંગિયાને રમતાં મૂકીશ કરીને લોચન બંધ !
હળવે હળવે એકબીજાને ગમશું અંતરિયાળ
પ્રેમ પ્રેમની રમત આપણે રમશું અંતરિયાળ.
કાગળની તું હોડી કરજે, દરિયો હું ચીતરીશ
મઝધારે તું મોતી મૂકજે, તળિયે હું ઊતરીશ !
એકબીજાનો હાથ સાહીને તરશું અંતરિયાળ
પ્રેમ પ્રેમની રમત આપણે રમશું અંતરિયાળ.
જનમજનમના ઘાટ ઉપર તું વાટ નીરખજે મારી
રઝળતો હું આવી ચડીશ નજરું સામે તારી.
સંગે સંગે લખચોરાસી ફરશું અંતરિયાળ
પ્રેમ પ્રેમની રમત આપણે રમશું અંતરિયાળ.
સાભાર :: કવિતા
ભાગ્ય મારું ફકીર જેવું છે :: ‘રાજ’ લખતરવી
ભાગ્ય મારું ફકીર જેવું છે,
તોય જીવન અમીર જેવું છે.
કઇ દિશામાં વળે નક્કી છે ક્યાં ?
મન અમારું સમીર જેવું છે.
હોય છે લક્ષ તરફ જ એની ગતિ,
આ નજરનુંય તીર જેવું છે.
પ્રેમમાં હોય શું કહે બીજું ?
એ જ રાંઝા ને હીર જેવું છે.
કાલ કંચન બને ય તે જીવન,
આજ છો ને કથીર જેવું છે.
રામ મારો રહીમ પણ મારો,
ભાઇ મારું કબીર જેવું છે.
લેખ હો તો લલાટમાં તું જો,
હાથમાં તો લકીર જેવું છે.
એટલે તો ફરી શકું છું મુક્ત,
ક્યાં હવે કૈં શરીર જેવું છે.
એમ મન્નત વગર નહીં માને,
“રાજ” એનું ય પીર જેવું છે.
ચૂમી છે તને :: મુકુલ ચોક્સી
ગીતના ઘેઘૂર ગરમાવામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેનાં ગાળામાં ચૂમી છે તને.
પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.
સાચુ કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.
કાળી રાતોમાં છુપાઇને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.
લોકોએ જેમાં ન પગ મૂકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કૂંડાળામાં ચૂમી છે તને.
પાંપણો મીંચાયને ઊઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.
મિત્રોના પ્રતિભાવ