Archive for જૂન 8, 2008
ભાગ્ય મારું ફકીર જેવું છે :: ‘રાજ’ લખતરવી
ભાગ્ય મારું ફકીર જેવું છે,
તોય જીવન અમીર જેવું છે.
કઇ દિશામાં વળે નક્કી છે ક્યાં ?
મન અમારું સમીર જેવું છે.
હોય છે લક્ષ તરફ જ એની ગતિ,
આ નજરનુંય તીર જેવું છે.
પ્રેમમાં હોય શું કહે બીજું ?
એ જ રાંઝા ને હીર જેવું છે.
કાલ કંચન બને ય તે જીવન,
આજ છો ને કથીર જેવું છે.
રામ મારો રહીમ પણ મારો,
ભાઇ મારું કબીર જેવું છે.
લેખ હો તો લલાટમાં તું જો,
હાથમાં તો લકીર જેવું છે.
એટલે તો ફરી શકું છું મુક્ત,
ક્યાં હવે કૈં શરીર જેવું છે.
એમ મન્નત વગર નહીં માને,
“રાજ” એનું ય પીર જેવું છે.
મિત્રોના પ્રતિભાવ