Archive for ઓગસ્ટ, 2008
જીવન :: કિરીટ ગોસ્વામી
જીવન, પળ પળ બદલે રૂપ…
એ જ નથી સમજાતું
એનું સાચું કિયું સ્વરૂપ ?
આંસુભીની એક ઘડી
તો બીજી ઉત્સવ સરખી !
રોજ ખુલે સંજોગ નામની
અણધારી જ ચબરખી !
લાખ સવાલો ઘૂંટ્યા કરતું મન આ, બેઠું ચૂપ !
જીવન, પળ પળ બદલે રૂપ…
કોઇ ઉખાણું માની બૂજે,
કોઇ સફર કહી ચાલે !
કોઇ વળી, બેપરવા નખશિખ –
નિજમસ્તીમાં મ્હાલે !
રૂપ હજારો જોઉં નિરંતર, અંતે તોય અરૂપ !
જીવન, પળ પળ બદલે રૂપ…
પૈસો :: હેનરી મિલર, (અનુવાદ :: પ્રવિણચંદ્ર ભુતા)
નિશાચરોના ટોળા સોંસરવો પૈસામાં હું ચાલું
પૈસો મારું બખ્તર ને પૈસામાં હું મહાલું
પૈસાથી હું ઊંઘું
પૈસાથી હું સૂંઘું
પૈસો મારી ભાંગ
પૈસો મારી બાંગ
પૈસો જંતરમંતર
પૈસો બખડજંતર
આ માણસ ટોળા ઇ પણ પૈસા
નાક શ્વાસ ને ડોળા ઇ પણ પૈસા
ખલકમાં એવી એક ચીજ ન ભૈયા
જે ન હો કલદાર-રૂપૈયા
ઉપર નીચે આજુ બાજુ
પૈસાનું વાગે છે વાજું
તો ય પૈસા નથી પૂરતા
સઘળા પૈસા સાટુ ઝૂરતા
થોડા પૈસા – ખાલી ખિસ્સા
મબલક પૈસા અઢળક પૈસા
સિક્કાની છે બન્ને બાજુ
જોખાય બધું રૂપિયાને તરાજું
પૈસો પૈસાને રળતો જો ને
પૈસાને પૈસાથી પૈસો રળતાં શીખવ્યું કોણે ?
જય શ્રી કૃષ્ણ…
સર્વે મિત્રો ને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ( જન્માષ્ટમી ) ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ…
જન્માષ્ટમી પછી ફરી મળીશુ ત્યાં સુધી મેળા ને મીઠાઇ ની મજા માણો બાપુ…
લ્યો હાલો તય…
જય શ્રી કૃષ્ણ…
ટહુકાર :: નલિન રાવળ
વસંતની મોહક મંજરીથી
ભરી ભરી
રમ્ય
વનરાઇમાં શો ! ટહુકારથી પર્ણ છલાવી
મોરલો
પીંછાં પ્રસારી કરી નૃત્ય
ઊતર્યો
મ્હેકી રહી કાવ્યની ભવ્ય કુંજે,
ફરકી
ઊઠી પવનની લહેરે
ફરી
એ
દિગંતમાં મીટ ભરી
પ્રસારી
કમનીય પીંછાં
પંખી ભર્યું આભ રણકાવી કેવો !
નર્તી રહ્યો શો ! ટહુકાર વેરતો…
મિત્ર :: પન્ના નાયક.
મિત્ર એટલે પરમ આત્મીયતા અને જેની સાથે નિર્વ્યાજ સખ્ય માણી શકાય.
જે મનથી અને વાણીથી સતત આપણી સાથે હોય.
જેના સહવાસમાં હાશ અને નિરાંતની ક્ષણોનો અનુભવ થાય.
જેની સાથે અંગતમાં અંગત પ્રશ્નથી માંડીને જગતની સમસ્યાઓ વિશે વાદ કે વિવાદ વિના વાત થઇ શકે.
જે આપણી સાથે હસે અને આપણને હસાવી શકે.
જે આપણા અવગુણને ઓળંગી આપણને અપનાવી શકે.
જે આપણા એકાંતની રક્ષા કરે.
જે આપણામાં રહેલી ગોપિત શક્તિને પ્રગટ કરે.
જે આપણને સુખમાં છકી જવા ન દે.
જે આપણને આપણા દુ:ખમાં હારવા ન દે.
મિત્ર એટલે જીવનમાં સાંપડેલી ધન્ય ક્ષણ.
મિત્ર એટલે મિત્ર.
મિત્રોના પ્રતિભાવ