Archive for સપ્ટેમ્બર, 2008

એક ભવ ઓછો પડે :: મુસાફિર પાલનપુરી

યાદ કોઇની વિસરવા એક ભવ ઓછો પડે,
એ અગમજ્વાળાને ઠરવા એક ભવ ઓછો પડે.

તું કે જેના હોઠ પર ફરિયાદ વિણ કંઇ પણ નથી,
ને મને નિઃશ્વાસ ભરવા એક ભવ ઓછો પડે.

રૂપ છે નમણી પ્રતિભા હાય કિન્તુ ! દબદબો !
ફૂલ પણ એકાદ ધરવા એક ભવ ઓછો પડે.

દૂર હરદમ દૂર ઓ મન ! ધર્મના ભેદો થકી,
એ વમળમાંથી ઊગરવા એક ભવ ઓછો પડે.

આચમન એનું મળે તોપણ મુસાફિર ધન્યતા,
આ ગઝલ-સિંધુને તરવા એક ભવ ઓછો પડે.

સપ્ટેમ્બર 28, 2008 at 8:57 પી એમ(pm) 5 comments

શબ્દ :: આહમદ મકરાણી

શબ્દ, તારી ફૂંકથી દીવા બળે ;
શબ્દ, તારા મૌનના પડઘા પડે.

શબ્દ, બત્રી’લક્ષણો તું રાજવી –
મૌન – પાતાળો ફૂટી પાણી મળે.

શબ્દ ઊગે આથમે ના આભમાં ;
શબ્દ પેલી પાર જઇને વિસ્તરે,

શબ્દ જેવું કોણ નિર્લેપી હશે ?
સાવ કોરો સાગરેથી નીકળે.

શબ્દ જાણે ઓલિયાની છે કબર ;
જાવ શ્રધ્ધાથી પછી પથ્થર તરે.

શ્રી મકરાણી સાહેબના પરિચય માટે અહીં કલીક કરો…

સપ્ટેમ્બર 22, 2008 at 10:09 પી એમ(pm) 6 comments

ફર્ક :: પ્રીતમ લખલાણી

નાતાલની સવારે
બાળકોને
ઇશુનો ઉપદેશ સમજાવતા
શિક્ષક બોલ્યા :
‘જો કોઇ
તમારા એક ગાલે
લાફો મારે તો
તમારે તેની સમક્ષ
બીજો ગાલ ધરવો !’

બરાબર એ જ વખતે
વર્ગની બારી બહાર
આંગણામાં
લચી પડેલ આંબા પર
એક રાહદારીએ
પથ્થર ફેંકી
બેચાર
કેરી ખેરવી નાખી !
આ જોઇ
બાળકે શિક્ષકને પૂછ્યું :
‘સાહેબ !
ઇશુ
અને વૃક્ષમાં
શો ફર્ક ???’

સપ્ટેમ્બર 18, 2008 at 1:33 પી એમ(pm) 5 comments

હર ચીજમાં :: સુધીર પટેલ

એ મને દેખાય છે હર ચીજમાં,
જેમ જોઉં વૃક્ષ કોઇ બીજમાં !

એ જ તો મલકાય મારી રીઝમાં,
એ વિલાતા એ જ સઘળી ખીજમાં.

એ જ ઝૂલે છે બધે શ્રધ્ધા રૂપે
કોઇ માદળિયે કે કો’ તાવીજમાં ?

જાતને મળવા હું મથતો હોઉં છું
એને મળવાની બધી તજવીજમાં !

એટલે લાગે ગઝલ વ્હાલી ‘સુધીર’
એ સદા લઇ જાય અમને નિજમાં.

સપ્ટેમ્બર 9, 2008 at 1:05 પી એમ(pm) 8 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,346 અમીનજરું

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930