Archive for નવેમ્બર, 2008
વંદન :: આદિલ મન્સૂરી
દિલમાં કોઇની યાદનાં પગલાં રહી ગયાં,
ઝાકળ ઊડી ગયું અને ડાઘા રહી ગયા.
એને મળ્યા, છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.
ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.
આવીને કોઇ સાદ દઇને જતું રહ્યું,
ખંડેર દિલમાં ગુંજતા પડઘા રહી ગયા.
વરસ્યા વિના જતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’, નજર ઉઠાવીને જોતા રહી ગયા.
આમ તો હરદમ હજૂરી હોય છે,
આપણાં મનમાં જ દૂરી હોય છે.
મૌનની સરહદ વટાવી જાવ તો,
શબ્દ સઘળા બિનજરૂરી હોય છે.
ને પછી ઊગે છે સૂરજ આંગણે,
પહેલાં તારી યાદ સ્ફુરી હોય છે.
ધોમધમખતા રણ વિશે ચિંતા ન કર,
રણની વચ્ચે પણ ખજૂરી હોય છે.
દૂર બેઠા યાદ આવે છે સતત,
પાન પણ કેવાં કપૂરી હોય છે.
એક પણ ઇચ્છા પૂરી ના થૈ શકી,
હર ગઝલ ‘આદિલ’ અધૂરી હોય છે.
મિત્રોના પ્રતિભાવ