Archive for ડિસેમ્બર, 2008
યાદ નો સંગાથ :: આહમદ મકરાણી.
રંગ જોયો – રાગ જોયો ને મને ના ;
ફૂલ જોયાં, બાગ જોયો ને મને ના.
ઊંબરે ઊભો હતો વરસો લગી હું ;
રેખ જોઇ, હાથ જોયો ને મને ના.
ડાઘ લૈ કેવા અહીં ફરતો રહ્યો છું ;
વસ્ત્ર જોયા, ઘાટ જોયો ને મને ના.
જિંદગીભર ઝંખના કરતો રહ્યો છું ;
શ્વાસકેરો સાથ જોયો ને મને ના.
આ મિલનનો પણ અહીં ઉત્સાહ ક્યાં છે !
યાદનો સંગાથ જોયો ને મને ના.
ગઝલ બને :: આહમદ મકરાણી.
દિલ અમારું કોઇ તોડે તો ગઝલ બને ;
છાતી ઉપર ક્રોસ ખોડે તો ગઝલ બને.
મસ્ત્ય માફક જિંદગી અવકાશમાં ફરે ;
કોઇ તાતાં તીર છોડે તો ગઝલ બને.
હોય સૂતા સોડ ઓઢી મૌન-પીર તો-
શબ્દશ્રીફળ કોઇ ફોડે તો ગઝલ બને.
સાવ સીધાં ને સરલ મોજાં નથી ગઝલ ;
જાતને ઊંડે ડૂબાડે તો ગઝલ બને.
છે ઇબાદત, બંદગી, બંદાતણું નમન ;
ઇશ સાથે જાત જોડે તો ગઝલ બને.
તેમના પરિચય માટે અહીં ક્લીક કરો…
તેમનો નવો ગઝલ સંગ્રહ ‘તું લખ ગઝલ’
મેળવવા અહીં સંપર્ક કરો…
શ્રી આહમદ મકરાણી,
‘મા મરિયમ મંઝિલ’
ગુરુનાનક શેરી,
સિંધી માર્કેટ પાસે,
ઉપલેટા : 360490
મો.: 98792 47509.
વિરાસત ફૂલની :: મીરા આસીફ.
ગત મહિને અમો એ શબ્દલોકમાં
ભાવનગરનાં કવિશ્રી મીરા આસિફ ને માણ્યાં હતાં…
ચિત્રમાં – જમણીબાજુથી શ્રી રાણીંગાસાહેબ, આમંત્રિતમહેમાન શ્રી મીરા આસિફ અને
શ્રી મકરાણી સાહેબ તથા રસિક શ્રોતાગણ…
કેમ સમજાવું નજાકત ફૂલની ?
યાદની મોસમ ઇનાયત ફૂલની !
એમને ઘેરી વળ્યાં કાંટા છતાં,
કેટલી મ્હેકેં વિરાસત ફૂલની !
સ્પર્શવાને વલવલે આઠે પ્રહર,
કેમ કરવી લે હિફાઝત ફૂલની ?
વાત મારી એજ આખર એજ છે,
કોઇના સમજે ઇબાદત ફૂલની !
રોજ જે અણસાર થઇ ખીલ્યા કરે,
એજ તો ગમતી કરામત ફૂલની !
આપણું મળવું હવે મુશ્કેલ છે,
ભીંત જેવી છે અદાવત ફૂલની !
આભાર…
મિત્રોના પ્રતિભાવ