Archive for માર્ચ, 2009
યાદ :: નિનાદ અધ્યારુ
એક નામ યાદ આવે, એક ગામ યાદ આવે,
એ યાર, એ મહોબ્બત, એ શામ યાદ આવે.
એ હોઠ, એ તડપ, એ ખુમાર, એ જવાની,
એક રાત યાદ આવે, એક જામ યાદ આવે.
આવે છે યાદ એની બસ એટલું હું જાણું,
પૂછો નહીં કે ક્યારે, શું કામ યાદ આવે.
બે દિલને જ્યારે મળતો હું જોઉં છું કદી તો,
મુજને મારા પ્રણયનો અંજામ યાદ આવે.
ભૂલી જવાય માણસ આખેઆખો પરંતુ,
માણસની બાદ માણસનું કામ યાદ આવે.
હું ભુલવા મથું છું દિવસ ને રાત જેને,
‘નિનાદ’ એ જ ચહેરો બેફામ યાદ આવે.
બીજું શું ? :: ખલીલ ધનતેજવી
ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું ?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું ?
આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું ?
માફ કરો, અંગૂઠો મારો નહિં આપું,
મારું માથુ કાપી લેજો બીજું શું ?
વાંકુસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું ?
પરસેવાની સોડમ વચ્ચે પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું ?
લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કહે છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું ?
આજે અમને દાદ ન આપો કાંઇ નહિ,
આજે અમને સાંખી લેજો બીજું શું ?
મિત્રોના પ્રતિભાવ