Archive for એપ્રિલ, 2009
ગુમાવીને :: કિરણ ચૌહાણ
અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઇને જઇ શક્યું દરિયો ઉઠાવીને !
હજી થોડાંક દેવાલય બનાવી દ્યો, શું વાંધો છે ?
કે જેથી સૌ અહીં માગ્યાં કરે માથું નમાવીને !
હજી ઇશ્વરને પામી ના શક્યાનું એ જ કારણ છે,
બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને.
ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી છે,
હું તેથી રહી શકું છું મોજથી, સઘળું ગુમાવીને.
કદી અહેસાન ના લેવાનો મોટો ફાયદો છે આ,
ગમે ત્યાં જઇ શકાતું હોય છે મસ્તક ઉઠાવીને.
ઘણું જીવે, છતાં પણ કોઇ નક્કર કામ ના આપે,
ઘણાં આવીને ચાલ્યા જાય છે ફોટા પડાવીને…..
આસપાસ :: અંકિત ત્રિવેદી
તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…..
ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…..
સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી ;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…..
માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે ;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં…..
તું મથામણો કરી ગઝલ લખી તો જો !
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…..
મિત્રોના પ્રતિભાવ