Archive for મે, 2009
સમય :: આહમદ મકરાણી
જીવતરના કાંગરે ખરતો સમય ;
ક્ષણતણી પોઠો વહી સરતો સમય.
બંધ ચંદો હોય ભલે ઘડિયાળનો ;
મોજથી કાંટા પરે ફરતો સમય.
ઓસબિંદુમાં જરી ઝિલાઇને ;
જિંદગીના પુષ્પથી ઝરતો સમય.
જન્મ ને મૃત્યુતણાં પગલાં સુધી ;
પૂર્ણ મારી આ સફર કરતો સમય.
નામ તેનો નાશ એ કરતો રહે ;
તોય જુઓ ના કદી મરતો સમય.
મા :: જયન્ત પાઠક
ગાતાં ગાતાં
આંગણું લીંપે ને ગૂંપે
બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે
તે તો કોઇ બીજુંય હોય
પણ
ભીના ભીના લીંપણમાં
નાનકડી પગલી જોવાના કોડ કરે
તે તો મા જ.
રડે ત્યારે છાનું રાખે
હસે ત્યારે સામું હસે
છાતીએ ચાંપે
તે તો કોઇ બીજુંય હોય
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતાં
જેની આંખમાં ઝળઝળીયાં આવી જાય
તે તો મા જ.
નવરાવે ધોવરાવે
પહેરાવે ને પોઢાડે
આંખો આંજી આપે
તે તો કોઇ બીજુંય હોય –
પણ
કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે
તે તો મા જ.
મિત્રોના પ્રતિભાવ