Archive for જુલાઇ, 2009
પ્રેમમાં તો એવું યે થાય છે :: તુષાર શુક્લ
પ્રેમમાં તો એવું યે થાય છે
સાવ અણધાર્યું કોઇ ગમી જાય છે.
પ્રેમમાં ના પડવાનું , ઉપડવાનું છે રે સખી
ઉડવાનું સંગાથે થાય છે.
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
આકાશે આષાઢી વાદળનો વૈભવ
ને છાતીમાં અણજાણ્યો ડૂમો
ઝરમરની આંખોમાં જામે તૈયારી
તમે પાલવને એકલાં જ ચૂમો
ત્યારે અંદરથી મેઘ કોઇ ગાય છે.
આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે
એવું પથારીમાં લાગે
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને
કંઠે કોઇ શોષ બની જાગે
ત્યારે અંદર વસંત કોઇ ગાય છે
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
ઓરડાની એકલતા
થથરાવી જાય અને
હૈયું આ સાથ કોઇ માગે
હાથ મહીં હાથ હો ને ગમતો
સંગાથ હો
તો રુંવાડે આગ કોઇ જાગે
ત્યારે અંદર હેમંત ગાય છે
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
મોસમ બદલાય ભલે ,
મનડું બદલાય નહીં
પ્રીત તણી રીતો બદલાય છે
પ્રેમમાં જો હોઇએ તો પ્રેમમાં જ રહીએ ,
બસ એવું એવું પ્રેમમાં તો થાય છે
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
સાંધ્યકાળ :: રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
અજવાળું પણ નથી અને અંધાર પણ નથી,
સંન્યાસ પણ નથી અને સંસાર પણ નથી.
કૈં પણ નથી અસાર, કશો સાર પણ નથી,
ઇચ્છાના કેન્દ્રમાંય નથી બહાર પણ નથી.
શબ્દો વગરનું સુઝી રહ્યું છે બધેબધું,
સમજી શકું હું એવો સમજદાર પણ નથી.
સાબિત કરું તો કઇ રીતે ? કેવળ છે પ્રતીતિ,
આધાર પણ નથી, હું નિરાધાર પણ નથી.
શું જાગવું ? શું સુવું ? અજબ સંધ્યાકાળ આ,
કે કોઇ પણ તરફનો તરફદાર પણ નથી.
ચાલી રહી છે જોશમાં તૈયારીઓ સતત,
મન છે કે કશું માનવા તૈયાર પણ નથી.
મિત્રોના પ્રતિભાવ