Archive for સપ્ટેમ્બર, 2009
નિમંત્રણ
રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,
ઝરૂઝડે દીવા બળે રે લોલ.
રાધા ગોરી ! ગરબે રમવા આવો !
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.
ત્યાં છે મારા રૂપસંગ ભાઇની ગોરી,
હાથડીએ હીરા જડ્યા રે લોલ.
ત્યાં છે મારા માનસંગ ભાઇની ગોરી,
પગડીએ પદમ જડ્યાં રે લોલ.
ત્યાં છે મારા ધીરસંગ ભાઇની ગોરી,
મુખડલે અમી ઝરે રે લોલ.
રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,
ઝરૂખડે દીવા બળે રે લોલ.
રાધા ગોરી ! ગરબે રમવા આવો !
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.
ફકીર જેમ :: ગોવિંદ ગઢવી ‘સ્મિત’
ના તો અમીર જેમ કે ના તો ફકીર જેમ
મારું લખાણું ભાગ્ય છે જળમાં લકીર જેમ
આવે, અડે, ઉડે ને પછી ક્યાંક જઇ ચડે
આ આયખું છે આપણું વાતા સમીર જેમ
માન્યું હતું કે ઉંઘથી આરામ થઇ જશે
સ્વપનાઓ હારબંધ છૂટ્યા તાતા તીર જેમ
આંસુના એક ટીપે આ દરિયો બની ગયો
જોતા રહ્યાં આ વાદળા મૂંગા બધિર જેમ
ક્યારેક તો એ તાણા વાણા હાથ લાગશે
ચાદર વણી શકાય પછીથી કબીર જેમ.
મિત્રોના પ્રતિભાવ