Archive for નવેમ્બર, 2009
એક વ્યક્તિ :: નિનાદ અધ્યારુ.
રાત આખી જાગવા જેવી હતી,
એક વ્યક્તિ ચાહવા જેવી હતી.
ઉમ્રભર એને કદી આપી નહી,
એક વસ્તુ આપવા જેવી હતી.
છોકરો દોડ્યા કર્યો હરણાની જેમ,
છોકરી પણ ઝાંઝવાં જેવી હતી.
આપણે છીએ કે નીચું ના નમ્યા,
વાત એની ત્રાજવા જેવી હતી.
માત્ર આંસુઓ જ જોયાં છે તમે,
આંખ એની વાંચવા જેવી હતી.
ગીત :: સુરેશ દલાલ.
પંખીને ગાવાનો બોજો નથી ને ફૂલોને મ્હોરવાનું ટેન્શન નથી,
ઝીણી ઝીણી ઘટના પર ઓવારી જવાનું
માણસનું ક્યાંયે એટેન્શન નથી.
ઝાડ કોઇની નોકરી કરતું નથી,
અને ખુશ્બુ નહીં કરે કોઇ ધંધો.
માણસ તો પૈસા માટે કંઇ પણ કરે
મધમીઠો ને ભીતરથી ખંધો.
સાંજ પડે સૂરજ આથમે છે તોય એને કોઇ મળતું પેન્શન નથી,
પંખીને ગાવાનો બોજો નથી ને ફૂલોને મ્હોરવાનું ટેન્શન નથી.
આકાશના તારાઓ વોર્ડબોય નથી,
કે ચાંદની નથી કોઇની નર્સ.
દરિયાનું સ્વીસ બેન્કમાં ખાતું નથી,
ને નદી પાસે નથી કોઇ પર્સ.
નથી કોઇ પાસે ફાર્મ હાઉસ કોઇ પાસે બંગલા,
મહાલય કે મોટા પેન્શન નથી.
પંખીને ગાવાનો બોજો નથી ને ફૂલોને મ્હોરવાનું ટેન્શન નથી.
મિત્રોના પ્રતિભાવ