Posts filed under ‘કવિતા’

હેમંત પૂણેકર

ક્યાં   કહું   છું   કે   ફૂલછાબ   આપો
ફૂલ એક આપો, પણ ગુલાબ આપો.

કાળી   રાતો   ને  જેમ  ચંદ્ર   મળે
બંધ   આંખોને  એવું   ખ્વાબ મળે.

સ્વપ્ન   આંખોએ  કેટલાં  જોયાં ?
ચાલો, આંસુભીનો હિસાબ આપો.

આંખોઆંખોમાં  પ્રશ્ન  પૂછ્યો  છે
હોઠથી  હોઠને   જવાબ    આપો.

મેં તો મનમાં હતું એ પૂછી લીધું
આપોઆપો, હવે જવાબ આપો.

એટલે  તારા  મેં   નથી   તોડ્યા
કાલે  કહેશો  કે  આફતાબ આપો.

એ  પૂછે    છે  જીવન  વિશે હેમંત
એને  કોરી  ખૂલી  કિતાબ  આપો.

ડિસેમ્બર 20, 2009 at 7:12 પી એમ(pm) 31 comments

ગિરનાર :: ઉર્વીશ વસાવડા

કોઇ અગમ શિખરથી ગિરનાર સાદ પાડે
પ્રત્યેક ટૂંક પરથી ગિરનાર સાદ પાડે

આંખો અગર મીચું તો દેખાય દત્ત સામે
કેવી અમીનજરથી ગિરનાર સાદ પાડે

પળભર ઊભી પગથિયે પુલકિત થઇ જવાતું
સ્પર્શી અદીઠ કરથી ગિરનાર સાદ પાડે

જો કાળમીંઢ પથ્થરનું મૌન સાંભળી લે
લાગે બીડ્યા અધરથી ગિરનાર સાદ પાડે

આ તાલ મંજીરાનો, કરતાલ, ચાખડીઓ
મીઠા પ્રભાતી સ્વરથી ગિરનાર સાદ પાડે

આખા નગરને થાતો એવો અકળ અનુભવ
જાણે સતત ભીતરથી ગિરનાર સાદ પાડે.

ડિસેમ્બર 13, 2009 at 8:21 પી એમ(pm) 12 comments

એક વ્યક્તિ :: નિનાદ અધ્યારુ.

eyes_slide_show

રાત આખી જાગવા જેવી હતી,
એક વ્યક્તિ ચાહવા જેવી હતી.

ઉમ્રભર એને કદી આપી નહી,
એક વસ્તુ આપવા જેવી હતી.

છોકરો દોડ્યા કર્યો હરણાની જેમ,
છોકરી પણ ઝાંઝવાં જેવી હતી.

આપણે છીએ કે નીચું ના નમ્યા,
વાત એની ત્રાજવા જેવી હતી.

માત્ર આંસુઓ જ જોયાં છે તમે,
આંખ એની વાંચવા જેવી હતી.

નવેમ્બર 15, 2009 at 7:10 પી એમ(pm) 13 comments

ગીત :: સુરેશ દલાલ.

skybirds-1

પંખીને ગાવાનો બોજો નથી ને ફૂલોને મ્હોરવાનું ટેન્શન નથી,
ઝીણી ઝીણી ઘટના પર ઓવારી જવાનું
માણસનું ક્યાંયે એટેન્શન નથી.

ઝાડ કોઇની નોકરી કરતું નથી,
અને ખુશ્બુ નહીં કરે કોઇ ધંધો.
માણસ તો પૈસા માટે કંઇ પણ કરે
મધમીઠો ને ભીતરથી ખંધો.
સાંજ પડે સૂરજ આથમે છે તોય એને કોઇ મળતું પેન્શન નથી,
પંખીને ગાવાનો બોજો નથી ને ફૂલોને મ્હોરવાનું ટેન્શન નથી.

આકાશના તારાઓ વોર્ડબોય નથી,
કે ચાંદની નથી કોઇની નર્સ.
દરિયાનું સ્વીસ બેન્કમાં ખાતું નથી,
ને નદી પાસે નથી કોઇ પર્સ.
નથી કોઇ પાસે ફાર્મ હાઉસ કોઇ પાસે બંગલા,
મહાલય કે મોટા પેન્શન નથી.
પંખીને ગાવાનો બોજો નથી ને ફૂલોને મ્હોરવાનું ટેન્શન નથી.

નવેમ્બર 1, 2009 at 6:02 પી એમ(pm) 9 comments

જય શ્રી કૃષ્ણ…

kan-01-01

મીરાં

પ્રેમની    પ્રેમની    પ્રેમની  રે    મને   લાગી  કટારી  પ્રેમની  રે.
જળ જમુનાનાં  ભરવા ગ્યા’તાં,   હતી  ગાગર માથે હેમની રે.
કાચે  તે  તાંતણે   હરિજીએ  બાંધી,   જેમ  ખેંચે  તેમ  તેમની રે.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, શામળી સૂરત શુભ એમની રે.

kan-gai

ગોકુલ વહેલા પધારજો  –  નરસિંહ મહેતા

ગોકુલ વહેલા પધારજો રે ;
મથુરા જાવ તો મારા સમ હો લાલ.            ગોકુલ…

રથ જોડીને અક્રૂર આવિયા રે ;
એ તો મને દુખડાંના દેનાર હો લાલ.          ગોકુલ…

ઓ જાય, ઓ જાય, રથ મારા નાથનો રે ;
માંહે બેઠા હળધર વીર હો લાલ.                  ગોકુલ…

આગળ રાધાજી ઊભાં રહ્યાં રે ;
માર હ્રદિયા પર રથ ખેડ હો લાલ.              ગોકુલ…

મહેતા નરસિંહનો સ્વામી શામળો રે ;
વહાલે મારે રમાડ્યા છે રાસ હો લાલ.        ગોકુલ…

dwarka-darshan_02

શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની સૌને હાર્દિક શુભેચ્છાઓ…

જય શ્રી કૃષ્ણ…

ઓગસ્ટ 14, 2009 at 9:24 એ એમ (am) 7 comments

પ્રેમમાં તો એવું યે થાય છે :: તુષાર શુક્લ

love001

પ્રેમમાં તો એવું યે થાય છે
સાવ અણધાર્યું કોઇ ગમી જાય છે.
પ્રેમમાં ના પડવાનું , ઉપડવાનું છે રે સખી
ઉડવાનું સંગાથે થાય છે.
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.

આકાશે આષાઢી વાદળનો વૈભવ
ને છાતીમાં અણજાણ્યો ડૂમો
ઝરમરની આંખોમાં જામે તૈયારી
તમે પાલવને એકલાં જ ચૂમો
ત્યારે અંદરથી મેઘ કોઇ ગાય છે.
આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે
એવું પથારીમાં લાગે
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને
કંઠે કોઇ શોષ બની જાગે
ત્યારે અંદર વસંત કોઇ ગાય છે
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.

ઓરડાની એકલતા
થથરાવી જાય અને
હૈયું આ સાથ કોઇ માગે
હાથ મહીં હાથ હો ને ગમતો
સંગાથ હો
તો રુંવાડે આગ કોઇ જાગે
ત્યારે અંદર હેમંત ગાય છે
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.

મોસમ બદલાય ભલે ,
મનડું બદલાય નહીં
પ્રીત તણી રીતો બદલાય છે
પ્રેમમાં જો હોઇએ તો પ્રેમમાં જ રહીએ ,
બસ એવું એવું પ્રેમમાં તો થાય છે
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.

જુલાઇ 26, 2009 at 7:04 પી એમ(pm) 4 comments

ઝલક :: સુરેશ દલાલ.

sureshdalal

મને   પાણી   જેવી

પારદર્શક   વાણી   ગમે   છે.

પાણીને   ડહોળી   નાખે   એવી

દલીલો   ગમતી   નથી.

દલીલો   અંતર   અને   અંતરાય

ઊભા   કરે   છે

અને   સંબંધોના   કમળ

કરમાઇ   જાય   છે

અને   વમળો   પેદા   થાય   છે.

જૂન 21, 2009 at 6:51 પી એમ(pm) 4 comments

રમેશ :: રમેશ પારેખ.

ramesh-parekh

શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં,
મળતાં નથી રમેશના રસ્તા રમેશમાં.

ગુલમ્હોર પણ લટાર કદીક મારતા હશે,
એનાં હજુયે ટમટમે પગલાં રમેશમાં.

ખોદો તો દટાયેલું કોઇ શહેર નીકળે,
એમ જ મળે રમેશનાં સપનાં રમેશમાં.

અર્ધો રમેશ કાળા અનાગતમાં ગુમ છે,
અર્ધા રમેશનાં છે ધુમાડા રમેશમાં.

આખ્ખુંય રાજપાટ હવે સૂમસામ છે,
કારણ કે મૃત્યુ પામ્યો છે રાજા રમેશમાં.

ફરતું હશે કોઇક વસંતી હવાની જેમ,
આજે ઝૂલે છે એકલાં જાળાં રમેશમાં.

ઇશ્વર, આ તારી પીળી બુલંદીની શું થશે ?
ખોદ્યા કરે હમેશ તું ખાડા રમેશમાં.

જ્યારે રમેશ નામનો એક ખારવો ડૂબ્યો,
ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં.

જૂન 14, 2009 at 7:16 પી એમ(pm) 8 comments

સમય :: આહમદ મકરાણી

Alone_Boy

જીવતરના   કાંગરે  ખરતો   સમય ;
ક્ષણતણી પોઠો વહી સરતો સમય.

બંધ  ચંદો  હોય  ભલે  ઘડિયાળનો ;
મોજથી   કાંટા   પરે   ફરતો   સમય.

ઓસબિંદુમાં      જરી       ઝિલાઇને ;
જિંદગીના  પુષ્પથી  ઝરતો  સમય.

જન્મ  ને  મૃત્યુતણાં  પગલાં  સુધી ;
પૂર્ણ મારી  આ  સફર  કરતો  સમય.

નામ   તેનો   નાશ  એ   કરતો  રહે ;
તોય  જુઓ  ના  કદી  મરતો  સમય.

મે 17, 2009 at 5:55 પી એમ(pm) 7 comments

મા :: જયન્ત પાઠક

maa

ગાતાં ગાતાં
આંગણું લીંપે ને ગૂંપે
બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે
તે તો કોઇ બીજુંય હોય

પણ
ભીના ભીના લીંપણમાં
નાનકડી પગલી જોવાના કોડ કરે
તે તો મા જ.

રડે ત્યારે છાનું રાખે
હસે ત્યારે સામું હસે
છાતીએ ચાંપે
તે તો કોઇ બીજુંય હોય
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતાં
જેની આંખમાં ઝળઝળીયાં આવી જાય
તે તો મા જ.
નવરાવે ધોવરાવે
પહેરાવે ને પોઢાડે
આંખો આંજી આપે
તે તો કોઇ બીજુંય હોય –
પણ
કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે
તે તો મા જ.

મે 10, 2009 at 6:42 પી એમ(pm) 5 comments

Older Posts


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,346 અમીનજરું

દિવસવાર ટપાલ

માર્ચ 2023
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031