Posts filed under ‘ગઝલ’

ગિરનાર :: ઉર્વીશ વસાવડા

કોઇ અગમ શિખરથી ગિરનાર સાદ પાડે
પ્રત્યેક ટૂંક પરથી ગિરનાર સાદ પાડે

આંખો અગર મીચું તો દેખાય દત્ત સામે
કેવી અમીનજરથી ગિરનાર સાદ પાડે

પળભર ઊભી પગથિયે પુલકિત થઇ જવાતું
સ્પર્શી અદીઠ કરથી ગિરનાર સાદ પાડે

જો કાળમીંઢ પથ્થરનું મૌન સાંભળી લે
લાગે બીડ્યા અધરથી ગિરનાર સાદ પાડે

આ તાલ મંજીરાનો, કરતાલ, ચાખડીઓ
મીઠા પ્રભાતી સ્વરથી ગિરનાર સાદ પાડે

આખા નગરને થાતો એવો અકળ અનુભવ
જાણે સતત ભીતરથી ગિરનાર સાદ પાડે.

ડિસેમ્બર 13, 2009 at 8:21 પી એમ(pm) 12 comments

સમય :: આહમદ મકરાણી

Alone_Boy

જીવતરના   કાંગરે  ખરતો   સમય ;
ક્ષણતણી પોઠો વહી સરતો સમય.

બંધ  ચંદો  હોય  ભલે  ઘડિયાળનો ;
મોજથી   કાંટા   પરે   ફરતો   સમય.

ઓસબિંદુમાં      જરી       ઝિલાઇને ;
જિંદગીના  પુષ્પથી  ઝરતો  સમય.

જન્મ  ને  મૃત્યુતણાં  પગલાં  સુધી ;
પૂર્ણ મારી  આ  સફર  કરતો  સમય.

નામ   તેનો   નાશ  એ   કરતો  રહે ;
તોય  જુઓ  ના  કદી  મરતો  સમય.

મે 17, 2009 at 5:55 પી એમ(pm) 7 comments

ગુમાવીને :: કિરણ ચૌહાણ

autumn_leaf

અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઇને જઇ શક્યું દરિયો ઉઠાવીને !

હજી થોડાંક દેવાલય બનાવી દ્યો, શું વાંધો છે ?
કે જેથી સૌ અહીં માગ્યાં કરે માથું નમાવીને !

હજી ઇશ્વરને પામી ના શક્યાનું એ જ કારણ છે,
બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને.

ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી છે,
હું તેથી રહી શકું છું મોજથી, સઘળું ગુમાવીને.

કદી અહેસાન ના લેવાનો મોટો ફાયદો છે આ,
ગમે ત્યાં જઇ શકાતું હોય છે મસ્તક ઉઠાવીને.

ઘણું જીવે, છતાં પણ કોઇ નક્કર કામ ના આપે,
ઘણાં આવીને ચાલ્યા જાય છે ફોટા પડાવીને…..

એપ્રિલ 19, 2009 at 3:13 પી એમ(pm) 6 comments

આસપાસ :: અંકિત ત્રિવેદી

spring_blossom_1

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…..

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…..

સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી ;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…..

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે ;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં…..

તું મથામણો કરી ગઝલ લખી તો જો !
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…..

એપ્રિલ 5, 2009 at 7:42 પી એમ(pm) 11 comments

યાદ :: નિનાદ અધ્યારુ

abs_sunset1

એક નામ યાદ આવે, એક ગામ યાદ આવે,
એ યાર, એ મહોબ્બત, એ શામ યાદ આવે.

એ હોઠ, એ તડપ, એ ખુમાર, એ જવાની,
એક રાત યાદ આવે, એક જામ યાદ આવે.

આવે છે યાદ એની બસ એટલું હું જાણું,
પૂછો નહીં કે ક્યારે, શું કામ યાદ આવે.

બે દિલને જ્યારે મળતો હું જોઉં છું કદી તો,
મુજને મારા પ્રણયનો અંજામ યાદ આવે.

ભૂલી જવાય માણસ આખેઆખો પરંતુ,
માણસની બાદ માણસનું કામ યાદ આવે.

હું ભુલવા મથું છું દિવસ ને રાત જેને,
‘નિનાદ’ એ જ ચહેરો બેફામ યાદ આવે.

માર્ચ 8, 2009 at 4:29 પી એમ(pm) 10 comments

બીજું શું ? :: ખલીલ ધનતેજવી

flowers1

ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું ?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું ?

આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું ?

માફ કરો, અંગૂઠો મારો નહિં આપું,
મારું માથુ કાપી લેજો બીજું શું ?

વાંકુસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું ?

પરસેવાની સોડમ વચ્ચે પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું ?

લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કહે છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું ?

આજે અમને દાદ ન આપો કાંઇ નહિ,
આજે અમને સાંખી લેજો બીજું શું ?

scan00011

માર્ચ 1, 2009 at 8:32 પી એમ(pm) 4 comments

તું લખ ગઝલ :: આહમદ મકરાણી

scan0001

વેદ ને કુરાનની વાતો પછી –
જાત જો સમજાય તો તું લખ ગઝલ…

શ્રી આહમદ મકરાણી સાહેબના ચોથા ગઝલ સંગ્રહ “તું લખ ગઝલ” નું વિમોચન
તા. 10-1-2009 નાં રોજ , ઉપલેટા ખાતે યોજાઇ ગયુ…

શ્રી ગોવિંદ ગઢવી ‘સ્મિત’ ,તેઓશ્રીએ મુશાયરાનો દોર બહુ સરસ રીતે સંભાર્યો હતો…

મુશાયરાના અધ્યક્ષ શ્રી પ્રફુલ્લભાઇ નાણાવટી સાહેબે કહ્યુ કે ગુજરાતી ગઝલનાં
ઇતિહાસમાંથી ફક્ત 10 શેર ચુંટવાના થાય તો ….. શ્રી મકરાણી સાહેબનો આ શેર
તેમાં અચુક સ્થાન પ્રાપ્ત કરે…

અચાનક ફરીથી જ મા યાદ આવી,
બધાંયે દરદની દવા યાદ આવી…

આ પ્રસંગે આવેલ મહેમાનો માં શ્રી પ્રફુલ્લ નાણાંવટી, શ્રી ગોવિંદ ગઢવી,
શ્રી દેવેન શાહ, શ્રી અંજુમ ઉઝયાન્વી, શ્રી ઉર્વીશ વસાવડા, તથા
શ્રી મીરા આસિફ, સૌએ પોતપોતાની હ્રદયાકૃતિઓથી
રસિક શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતા…

અહીંના એટલે કે ઉપલેટાનાં શબ્દલોકનાં સ્થાનિક કવિઓએ પણ મુશાયરામાં બહુ જ
સુંદર રંગ જમાવ્યો હતો…

શ્રી મકરાણી સાહેબ ના નૂતન ગઝલ સંગ્રહમાંથી હાલો હવે માણીએ

એક સુંદર રચના…

લટથી…

amit-face1

નજરને હટાવી લીધી એ તરફથી ;
અહીં આંગળાં દાઝવાનાં બરફથી.

પછી જંગલે એક અફવા ઊડી છે ;
મદારી જ પોતે ડરે છે સરપથી.

નહીંતર આ સહરા તપે આટલું ના ;
તપી એ ગયો છે સદા કૈસ-તપથી.

રહે આંગળાં એમ ફરતાં ભલેને ;
ન પકડાય ક્યારેય એ માત્ર જપથી.

ન તલવારનો ખપ, ન ખંજર ખપે છે ;
ઘણાં દિલ હણાતાં અહીં એક લટથી…

જાન્યુઆરી 25, 2009 at 8:10 પી એમ(pm) 19 comments

Older Posts


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 258,338 અમીનજરું

દિવસવાર ટપાલ

એપ્રિલ 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930