Posts filed under ‘ગઝલ’
વંદન :: આદિલ મન્સૂરી
દિલમાં કોઇની યાદનાં પગલાં રહી ગયાં,
ઝાકળ ઊડી ગયું અને ડાઘા રહી ગયા.
એને મળ્યા, છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.
ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.
આવીને કોઇ સાદ દઇને જતું રહ્યું,
ખંડેર દિલમાં ગુંજતા પડઘા રહી ગયા.
વરસ્યા વિના જતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’, નજર ઉઠાવીને જોતા રહી ગયા.
આમ તો હરદમ હજૂરી હોય છે,
આપણાં મનમાં જ દૂરી હોય છે.
મૌનની સરહદ વટાવી જાવ તો,
શબ્દ સઘળા બિનજરૂરી હોય છે.
ને પછી ઊગે છે સૂરજ આંગણે,
પહેલાં તારી યાદ સ્ફુરી હોય છે.
ધોમધમખતા રણ વિશે ચિંતા ન કર,
રણની વચ્ચે પણ ખજૂરી હોય છે.
દૂર બેઠા યાદ આવે છે સતત,
પાન પણ કેવાં કપૂરી હોય છે.
એક પણ ઇચ્છા પૂરી ના થૈ શકી,
હર ગઝલ ‘આદિલ’ અધૂરી હોય છે.
ગઝલ :: હઝલ !
ગઝલ હઝલ !
શ્રી અમૃત ઘાયલ. શ્રી નિર્મિશ ઠાકર.
એ ઘડી પણ એક વખત આવી હતી, ખોલવા તાળું ન એ ફાવી હતી,
સુખની મારા હાથમાં ચાવી હતી. સુખની મારા હાથમાં ચાવી હતી !
કોઇની સમજાવી એ સમજી નહીં, એ કશું સમજ્યો ન’તો ને એ છતાં –
આંખને એણે ય સમજાવી હતી. આંખને એણે ય સમજાવી હતી !
આમ તો મારગ બહુ સીધો હતો, માત્ર ફેરા લાખચોરાશી ફરી –
જિન્દગીને ઠોકરો ખાવી હતી. જિન્દગી ને ઠોકરો ખાવી હતી !
નીરખી રણ પાણી પાણી થઇ ગયા, નીરખી રણ પાણી પાણી થઇ ગયાં,
રામ જાણે શું ઘટા લાવી હતી ! ન્હેર નકશામાં જ લંબાવી હતી !
આટલી ઝાંખી હશે ન્હોતી ખબર, આગિયાએ સૂર્ય પર ફેંકી, પછી –
રોશનીને મેં ય બિરદાવી હતી. રોશનીને મેંય બિરદાવી હતી !
આમ અંતરિયાળ છોડી ક્યાં ગયા હાસ્યપ્રેરક કાવ્ય છે, હું તો નથી !
દોસ્તો, કૈં તો દયા ખાવી હતી. દોસ્તો કૈં તો દયા ખાવી હતી !
મ્હેરબાની એમની કે સાંભળી, કેમ બેસાડ્યો ગળું ઝાલી મને ?
મારે પણ ‘ઘાયલ’ ગઝલ ગાવી હતી. મારે પણ ‘નિર્મિશ’ હઝલ ગાવી હતી !
એક ભવ ઓછો પડે :: મુસાફિર પાલનપુરી
યાદ કોઇની વિસરવા એક ભવ ઓછો પડે,
એ અગમજ્વાળાને ઠરવા એક ભવ ઓછો પડે.
તું કે જેના હોઠ પર ફરિયાદ વિણ કંઇ પણ નથી,
ને મને નિઃશ્વાસ ભરવા એક ભવ ઓછો પડે.
રૂપ છે નમણી પ્રતિભા હાય કિન્તુ ! દબદબો !
ફૂલ પણ એકાદ ધરવા એક ભવ ઓછો પડે.
દૂર હરદમ દૂર ઓ મન ! ધર્મના ભેદો થકી,
એ વમળમાંથી ઊગરવા એક ભવ ઓછો પડે.
આચમન એનું મળે તોપણ મુસાફિર ધન્યતા,
આ ગઝલ-સિંધુને તરવા એક ભવ ઓછો પડે.
શબ્દ :: આહમદ મકરાણી
શબ્દ, તારી ફૂંકથી દીવા બળે ;
શબ્દ, તારા મૌનના પડઘા પડે.
શબ્દ, બત્રી’લક્ષણો તું રાજવી –
મૌન – પાતાળો ફૂટી પાણી મળે.
શબ્દ ઊગે આથમે ના આભમાં ;
શબ્દ પેલી પાર જઇને વિસ્તરે,
શબ્દ જેવું કોણ નિર્લેપી હશે ?
સાવ કોરો સાગરેથી નીકળે.
શબ્દ જાણે ઓલિયાની છે કબર ;
જાવ શ્રધ્ધાથી પછી પથ્થર તરે.
હર ચીજમાં :: સુધીર પટેલ
એ મને દેખાય છે હર ચીજમાં,
જેમ જોઉં વૃક્ષ કોઇ બીજમાં !
એ જ તો મલકાય મારી રીઝમાં,
એ વિલાતા એ જ સઘળી ખીજમાં.
એ જ ઝૂલે છે બધે શ્રધ્ધા રૂપે
કોઇ માદળિયે કે કો’ તાવીજમાં ?
જાતને મળવા હું મથતો હોઉં છું
એને મળવાની બધી તજવીજમાં !
એટલે લાગે ગઝલ વ્હાલી ‘સુધીર’
એ સદા લઇ જાય અમને નિજમાં.
ભાગ્ય મારું ફકીર જેવું છે :: ‘રાજ’ લખતરવી
ભાગ્ય મારું ફકીર જેવું છે,
તોય જીવન અમીર જેવું છે.
કઇ દિશામાં વળે નક્કી છે ક્યાં ?
મન અમારું સમીર જેવું છે.
હોય છે લક્ષ તરફ જ એની ગતિ,
આ નજરનુંય તીર જેવું છે.
પ્રેમમાં હોય શું કહે બીજું ?
એ જ રાંઝા ને હીર જેવું છે.
કાલ કંચન બને ય તે જીવન,
આજ છો ને કથીર જેવું છે.
રામ મારો રહીમ પણ મારો,
ભાઇ મારું કબીર જેવું છે.
લેખ હો તો લલાટમાં તું જો,
હાથમાં તો લકીર જેવું છે.
એટલે તો ફરી શકું છું મુક્ત,
ક્યાં હવે કૈં શરીર જેવું છે.
એમ મન્નત વગર નહીં માને,
“રાજ” એનું ય પીર જેવું છે.
ચૂમી છે તને :: મુકુલ ચોક્સી
ગીતના ઘેઘૂર ગરમાવામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેનાં ગાળામાં ચૂમી છે તને.
પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.
સાચુ કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.
કાળી રાતોમાં છુપાઇને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.
લોકોએ જેમાં ન પગ મૂકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કૂંડાળામાં ચૂમી છે તને.
પાંપણો મીંચાયને ઊઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.
એક છોકરી ગમે છે ! – નિનાદ અઘ્યારુ.
ધંધો ન કોઇ ગમતો, ના નોકરી ગમે છે,
કે જ્યારથી, અમોને એક છોકરી ગમે છે !
એનો જ એક ચહેરો ઘૂમ્યાં કરે મગજમાં,
ના ઘર મને ગમે છે, ના ઓસરી ગમે છે !
ટી શર્ટ, જીન્સ પહેરેલી, બહેનપણીઓ વચ્ચે –
પંજાબી ડ્રેસ સાદો, ને ઓઢણી ગમે છે.
બાબત એ ગૌણ છે કે, એમાં લખેલ શું છે,
રાખે ગુલાબ જેમાં, એ ચોપડી ગમે છે.
સખીઓની સંગ જ્યારે એ ખાય શીંગ ખારી,
ફેંકે છે જે અદાથી, એ ફોતરી ગમે છે !
‘નિનાદ’ લાગણીના એ કાર્ડનું કરે શું ?
એને તો લાલ-લીલી કંકોતરી ગમે છે !
સાભાર : નિનાદભાઇ.
ઉંમર – જગદીશ વ્યાસ.
હવે ક્યાં આપણી કોઇ ફિકર કરવાની ઉંમર છે ?
ગળે રૂમાલ બાંધી ફાંકડા ફરવાની ઉંમર છે.
ન આપું કેમ ઝૂકીને સલામી ખૂબસૂરતને ?
હવે તિતલીના રંગોની ઉપર મરવાની ઉંમર છે !
ગુલાલ ઊડી રહ્યો છે લોહીમાં શરણાઇ વાગે છે,
નવું કૈં આપણા જીવતરમાં અવતરવાની ઉંમર છે.
ભલે ક્યારેક સંકેલાઇ રહેવાની હતી ઉંમર,
હવે છુટ્ટા મૂકેલા સઢમાં ફરફરવાની ઉંમર છે.
હવે તો હુંય ખુલ્લો થઇ ગયો છું આભની જેવો,
હવે તો બાથ ખુલ્લી પૃથ્વીને ભરવાની ઉંમર છે !
વાતો નથી થાતી – ‘નૂરી’
મને એનું નથી દુઃખ કે મુલાકાતો નથી થાતી !
બધે સળગે છે દીપક ને અહીં રાતો નથી થાતી.
જીવનની વેદનાનો એટલો રસ્તો નથી મળતો,
બધાની સાથ કંઇ દિલની બધી વાતો નથી થાતી.
હતી એ વાત જુદી કે સતત એ આવતા મળવા,
હવે હું જાઉં છું તોપણ મુલાકાતો નથી થાતી.
કોઇની લાગણીને સાચવી લેવાનું આ ફળ છે,
અમારાથી અમસ્તી પણ કશી વાતો નથી થાતી.
અમે પણ પ્રેમની પ્રસ્તાવના કીધી નહીં , ‘નૂરી’ !
અને એના તરફથી પણ શરૂઆતો નથી થાતી !
મિત્રોના પ્રતિભાવ