Posts filed under ‘રાસ-ગરબા’
તારી બાંકી રે પાઘલડી – અવિનાશ વ્યાસ.
તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! ….. તારી બાંકી રે…..
તારા પગનું પગરખું ચમચમતું રે
અને અંગનું અંગરખુ તમતમતું રે ,
મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..
પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ?
તને છેટો ભાળીને મને ગમતું રે !
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..
હાથમાં ઝાલી ડાંગ કડિયાળી,
હરિયાળો ડુંગરો આવતો રે હાલી;
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી,
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.
તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા, તને અમથું !….. તારી બાંકી રે…..
કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું !
ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..
વગડાની વચ્ચે વાવડી – અવિનાશ વ્યાસ
વગડાની વચ્ચે વાવડી ને
વાવડીની વચ્ચે દાડમળી
દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે
પગમા લક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી
પાઘલડી ના તાણા રાતા ચોળ, રાતા ચોળ સે…..વગડાની…..
આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે
ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે, ઇશાની વાયરો વિંજણું ઢોળે
ને વેરી મન મારું ચડ્યું ચકડોળે
નાનું અમથુ ખોરડું ને, ખોરડે જુલે છાબલડી
છાબલડી ના બોરા રાતા ચોળ, રાતા ચોળ સે….વગડાની…..
ગામને પાદર રુમતા ને ઝુમતા નાગરવેલના રે વન સે રે
તીર્થ જેવો સસરો મારો, નટખટ નાની નંણદ સે રે
મૈયર વચ્ચે માવલડી ને, સાસર વચ્ચે સાસલડી
સાસલડી ના નયના રાતા ચોળ, રાતા ચોળ સે…..વગડાની…..
એક રે પારેવડું પિપળાની ડાળે
બીજું રે પારેવડું સરોવર પાળે
રૂમઝુમ રૂમઝુમ જોડ્લી હાલે
નેણલા પરોવી ને નેણલા ઢાળે
સોના જેવો કંથડો ને હું સોનાની વાટ્કળી
વાટ્કળી માં કંકુ રાતા ચોળ, રાતા ચોળ સે.
વગડાની વચ્ચે વાવડી ને
વાવડીની વચ્ચે દાડમળી
દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે
પગમા લક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી
પાઘલડી ના તાણા રાતા ચોળ, રાતા ચોળ સે…..વગડાની…..
માલા રે માલ – અવિનાશ વ્યાસ
માલા રે માલ, લેરણીયું લાલ, ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.
હે લપટી જપટી દેતી રે તાલ
શરમને શેરડે શોભતા રે ગાલ
કાવડિયો ચાંદલો ચોડ્યો રે ભાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..
હે… રાખે રાખે ને ઉડી જાય રે ઘૂમટો
પરખાઇ જાય એનો ફૂલ ગુથ્યો ફૂમકો
કંઠે મકેહતી મોગરાની માળ
આંખ આડે આવતા વીખરાયા વાળ
નેણલેથી નીતરે વ્હાલમનું વ્હાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..
હે… એની પાંપણના પલકારા વીજલડીના ચમકારા
એના રુદિયામાં રોજ રોજ વાગે વાલમજીના એકતારા
હિલોળે હાથ જાણે ડોલરની ડાળ
બોલ બોલ તોલતી વાણી વાચાળ
જલતી જોબનીયાની અંગે મશાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.
માલા રે માલ, લેરણીયું લાલ, ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે,
ઉડતો આવે તારી પાહે કેવો સમજદાર છે.
હે ચોળી ચટકદાર, કેડે કંદોરો,
કાંબીને કડલા ડોકે હીર નો રે દોરો.
હે તારો ઘુઘરીયાળો ઘાઘરો….. ઘેરદાર છે…..
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે.
હે મળતાં રે વેંત તે’તો, કામણ કીધું,
દલડું દીધુ ને દલડું લીધું.
હે મુને કાળજે કટાર લાગી….. આરપાર છે…..
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે.
હે માનો મોરી વાત ગોરી, ઘૂમટો ના ઢાળો
હૈયુ ભરી જોવાદો આંખડીનો ચાળો.
હે તારી પાંપણ નો પલકારો….. પાણીદાર છે…..
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે.
હે જોબન રણકો મારા જાંજર ના તાલમાં
જોબનીયુ ચાલમાં ને જોબન રૂમાલ માં
હે એમાં પ્રીત કેરો રંગ મારો….. ભારોભાર છે…..
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે.
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે,
ઉડતો આવે તારી પાહે કેવો સમજદાર છે.
ફિલ્મ : નવરંગ ચુંદડી.
હે રંગલો – અવિનાશ વ્યાસ
હે રંગલો,
જામ્યો કાલંદરી ને ઘાટ,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.
હે હાલ્ય હાલ્ય હાલ્ય,
વહી જાય રાત વાત માં ને, માથે પડશે પ્રભાત,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.
હે રંગરસીયા,
હે રંગરસીયા તારો રાહડો માંડી ને, ગામને છેવાડે બેઠા,
કાના તારી ગોપલીએ, તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં.
હે તને બરકે તારી જશોદા તારી માત…
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.
મારા પાલવ નો છેડલો મેલ, છોગાળાઓ છેલ
કે મન મારું મલકે છે.
એ હું મોરલો ને તું તો મારી ઢેલ,
હું છોડવો તું વેલ
કે મન મારું ઘડકે છે.
હે હે હે…..હે જી
સાંજ ને સુમારે
જ્યારે સુર જ્યાં નમે
નર નાર લગે તાર
સંગ રંગ રમે
કોઇ રૂપની કટોરી, કોઇ રૂપનો કટોરો
કોઇ શ્યામ, કોઇ ગોરો
રમે છોરી અને છોરો
ધરણી ધમધમે…..
હે જી રે…..
તુર તુર તુર
ગાંડીતુર શરણાઇ કેરા સુર
વીંધે ઉર ચકચુર
સંગે તાલ ને નુપુર
તારુ પાદર ને પુર
સામ સામ સામે
હે જીણું જીણું વાગતી રે વેણું
રે ને ગામને પાદર ઉડતી રે રેણું
ને નાચતી રે આવે કોઇ ગામની રે ઘેનું
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.
પાંદડું ઉડી ઉડી જાય રે
પાંદડું ઉડી ઉડી જાય રે
પરદેશી લાલ પાંદડું
હે પાંદડાની માયા મુને લાગી પરદેશી લાલ પાંદડુ.
હે માડી મારો સસરો આણે આવ્યો
હે માડી હું તો સસરા ભેરી નહીં જાઉં,
સાસુજી મ્હેંણા બોલે….. પરદેશી લાલ પાંદડું – પાંદડું.
હે માડી મારો જેઠજી આણે આવ્યો
હે માડી હું તો જેઠજી ભેરી નહીં જાઉં,
જેઠાણી મ્હેણાં બોલે….. પરદેશી લાલ પાંદડું – પાંદડું.
હે માડી મારો દેરજી આણે આવ્યો
હે માડી હું તો દેરજી ભેરી નહીં જાઉં,
દેરાણી મ્હેણાં બોલે….. પરદેશી લાલ પાંદડું – પાંદડું.
હે માડી મારો પરણ્યો આણે આવ્યો
હે માડી હું તો પરણ્યા ભેરી જટ જાઉ,
પરણ્યોજી મીઠું બોલે….. પરદેશી લાલ.
પાંદડુ ઉડી ઉડી જાય રે
પરદેશી લાલ પાંદડું
હે પાંદડાની માયા મુને લાગી પરદેશી લાલ પાંદડુ.
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો – અવિનાશ વ્યાસ
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.
મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો… માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
માવડી ની કોટમા તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો… માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ
અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો… માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.
મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.
મા નો ગરબો રે , રમે રાજ ને દરબાર,
રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર.
એલી કુંભારી ની નાર તું તો સુતી હોય તો જાગ,
મા ને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ.
મા નો ગરબો રે , રમે રાજ ને દરબાર,
રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર.
એલી સોનીડા ની નાર તું તો સુતી હોય તો જાગ,
મા ને ગરબે રે રૂડા જાળીયા મેલાવ.
મા નો ગરબો રે , રમે રાજ ને દરબાર,
રમતો ભમતો રે આવ્યો ઘાંચીડા ને દ્વાર.
એલી ઘાંચીડા ની નાર તું તો સુતી હોય તો જાગ,
મા ને ગરબે રે રૂડા દિવેલીયા પુરાવ.
મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.
ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. – મોરલી…..
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. – મોરલી…..
માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. – મોરલી…..
પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી….
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.
મિત્રોના પ્રતિભાવ