Posts filed under ‘લોકગીત – દુહા’

નીરખું લાલાને

dwarka-01

સંધ્યાવેળાએ નીરખું વાલાને
આરતી વેળાએ નીરખું વાલાને

મોરમનોહર વાંસલડી સાથે ધીમે સાદે ગા’તા આવે નંદજીના લાલ
ગોવાળિયાની મંડલીમાં વા’લાજીનો સાથ… સંધ્યા વેળાએ…

મોર મુકુટ ને કાને કુંડળ સાર
ગળામાં સોહે ગુંજા કેશ હાર… સંધ્યા વેળાએ…

ગૌધન ચરાવી ગોવિંદ આવ્યા ઘેર
લુણ ઉતારે પ્રભુજીની સુભદ્રાજી બેન… સંધ્યા વેળાએ…

ગૌધન ચરાવી ગોવિંદ આવ્યા ગોવાળિયાની સાથ
આરતી ઉતારે પ્રભુજીની યશોદાજી માત… સંધ્યા વેળાએ…

કેશરિયાળા સોહે, પ્રભુજીના કેશ
કૃષ્ણદાસનો સ્વામી વા’લો નટવર વેશ. . . સંધ્યા વેળાએ. . .

art-2



સૌ મિત્રોને  વિક્રમ સંવત ૨૦૬૬ નાં નૂતન વર્ષાભિનંદન.
જય શ્રી કૃષ્ણ…

ઓક્ટોબર 25, 2009 at 5:38 પી એમ(pm) 4 comments

નિમંત્રણ

normal_navratri-1

રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,
ઝરૂઝડે  દીવા  બળે  રે  લોલ.

રાધા ગોરી ! ગરબે રમવા આવો !
સાહેલી  સહુ  ટોળે  વળે  રે લોલ.

ત્યાં છે મારા રૂપસંગ ભાઇની ગોરી,
હાથડીએ  હીરા  જડ્યા રે લોલ.

ત્યાં છે મારા માનસંગ ભાઇની ગોરી,
પગડીએ  પદમ  જડ્યાં રે લોલ.

ત્યાં છે મારા ધીરસંગ ભાઇની ગોરી,
મુખડલે  અમી  ઝરે  રે  લોલ.

રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,
ઝરૂખડે  દીવા  બળે  રે  લોલ.

રાધા ગોરી  !  ગરબે  રમવા આવો !
સાહેલી  સહુ  ટોળે  વળે  રે  લોલ.

સપ્ટેમ્બર 20, 2009 at 6:35 પી એમ(pm) 13 comments

કાનુડા તારા મનમાં નથી.

સ્વર :  દિવાળીબેન.

[odeo=http://odeo.com/audio/4626323/view]

હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.

આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે,
પાતળીયા તારા મનમાં નથી….. હું તો…..

આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા પાવનિયાં બળી બળી જાય રે,
છોગાળા તારા મનમાં નથી….. હું તો…..

આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા,
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે,
કાનુડા તારા મનમાં નથી.

હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.

ડિસેમ્બર 28, 2006 at 11:26 પી એમ(pm) 5 comments

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો – લોકગીત.

[odeo=http://odeo.com/audio/2536183/view]

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો,
રૂમાલ મારો લેતા જાજો, કે દલ દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !

લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જજો,
એ લેતા જજો, કે દલ તમારું દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.

ઓલ્યા વાણિયાના હાટનો લીલો રૂમાલ,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.

ઉતારા આલીશ ઓરડા, રૂમાલ મારો લેતા જજો,
મેડી મોલાત્યું માણશું કે રૂમાલ મારો લેતા જજો.

ભોજન આલીશ લાડવા, રૂમાલ મારો લેતા જજો,
તને પીરસું સાકરિયો કંસાર, રૂમાલ મારો લેતા જજો.

નાવણ આલીશ કૂંડિયું, એ રૂમાલ મારો લેતા જજો,
ઝિલણિંયાં તળાવ જાઇશું, રૂમાલ મારો લેતા જજો !
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !

નવેમ્બર 12, 2006 at 9:58 પી એમ(pm) 2 comments

રંગાઇ જાને રંગમાં

રંગાઇ જાને રંગમાં…..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ…..

આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ…..

જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ, તેડું આવશે, યમનું જાણજે,
જાવું પડશે સંગમાં…..રંગાઇ…..

સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ….

ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ…..

બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..

રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં…..રંગાઇ…..

+ મિત્રો, આ રૂડુ ને મજાનુ ભજન સાંભળવા માટે અહીં ક્લીક કરો.

નવેમ્બર 11, 2006 at 11:06 પી એમ(pm) 8 comments

દોહા.

ઠાકર પણ ઠેકો લીધે, સૂર સંધાતા સમે ;

ઢાંકણીયે ઢોલે રમે, હરિની હાર્યે હેમલો

વર્ષો પછી વૈકુંઠમાં, હેમુને મળ્યા હરિ ;

ગોકુલ ગાંડુ કરી, સ્વર તીહારે શામળા.

સોરઠ સાઝ સુના થીયા, કારણ કામણ કીયો ;

હલહ લઇ હેમુ ગયો, સૂર સંગાથે શામળા.

કસુંબી રંગનો કેફ કોઠે ધરી,

ગીતમાં લોકના બોલ ગાયા

પથ્થરના પાળીયે પ્રિત પેદા કરી,

વિજોગી વનિતાના વેણ સાંધ્યા

સતિને શુરની તેં ગુણગાથા કરી,

ધડૂસતા ઢોલે ને તલવાર ધારે.

ઓક્ટોબર 28, 2006 at 9:27 પી એમ(pm) 8 comments

સાચી રે મારી સત રે ભવાની મા

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા,
હું તો તારી સેવા કરીશ, મૈયાલાલ,
નવ નવ નોરતાં, પૂજાઓ કરીશમા,
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયાલાલ…..સાચી રે…..

જ્યોતિમાં એક તારી છે જ્યોતિ,
માતા સતનું ચમકે છે મોતી,
માડી રે મારી શક્તિ ભવાની મા,
હું તો તારી આરતી ઉતારું, મૈયાલાલ…..સાચી રે…..

શક્તિ રે, તું તો જગની જનેતા મા,
ભોળી ભવાની મા, અંબા ભવાની માત,
હું તો તારા પગલાં પૂજીશ મૈયાલાલ…..સાચી રે…..

જગમાં તેં જ એક માયા રચાવી,
દર્શન દેવા તું સામે રે આવી;
માડી રે આવો રમવા ભવાની મા,
હું તો તારાં વારણાં લઇશ મૈયાલાલ…..સાચી રે…..

વિજ્યા દશમી ના પર્વ પર સૌ મિત્રો ને હાર્દિક શુભેચ્છાઓ – હેપી દશેરા.

ઓક્ટોબર 2, 2006 at 12:23 પી એમ(pm) 1 comment

મારે ટોડલે બેઠો મોર

[odeo=http://odeo.com/audio/2026555/view]

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..

મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

સપ્ટેમ્બર 30, 2006 at 7:31 પી એમ(pm) 2 comments

મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.

મા  નો  ગરબો  રે,  રમે  રાજ  ને  દરબાર.

મા  નો  ગરબો  રે ,  રમે  રાજ  ને  દરબાર,
રમતો  ભમતો  રે  આવ્યો  કુંભારી  ને  દ્વાર.

એલી  કુંભારી  ની  નાર  તું  તો  સુતી  હોય  તો  જાગ,
મા  ને  ગરબે  રે  રૂડા  કોડિયાં  મેલાવ.

મા  નો  ગરબો  રે ,  રમે  રાજ  ને  દરબાર,
રમતો  ભમતો  રે  આવ્યો  સોનીડા  ને  દ્વાર.

એલી  સોનીડા  ની  નાર  તું  તો  સુતી  હોય  તો  જાગ,
મા  ને  ગરબે  રે  રૂડા  જાળીયા  મેલાવ.

મા  નો  ગરબો  રે ,  રમે  રાજ  ને  દરબાર,
રમતો  ભમતો  રે  આવ્યો  ઘાંચીડા  ને  દ્વાર.

એલી  ઘાંચીડા  ની  નાર  તું  તો  સુતી  હોય  તો  જાગ,
મા  ને  ગરબે  રે  રૂડા  દિવેલીયા  પુરાવ.

મા  નો  ગરબો  રે,  રમે  રાજ  ને  દરબાર.

સપ્ટેમ્બર 23, 2006 at 9:30 એ એમ (am) 6 comments

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !

ઝૂલણ  મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર  !
હાલો  ને  જોવા  જાયેં  રે
      મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર.

ચડવા  તે  ઘોડો  હંસલો  રે,  રાજાના  કુંવર,
      પીતળિયા  પલાણ  રે.  –  મોરલી…..

બાંયે  બાજુબંધ  બેરખા  રે,  રાજાના  કુંવર,
      દસેય  આંગળીએ  વેઢ  રે.  –  મોરલી…..

માથે  મેવાડાં  મોળિયાં  રે,  રાજાના  કુંવર,
      કિનખાબી  સુરવાળ  રે.  –  મોરલી…..

પગે  રાઠોડી  મોજડી  રે,  રાજાના  કુંવર,
      ચાલે  ચટકતી  ચાલ્ય  રે.  –  મોરલી….

ઝૂલણ  મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર  !
હાલો  ને  જોવા  જાયેં  રે
      મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર.

ઝૂલણ મોરલી સાંભળો : ટહુકો.

સપ્ટેમ્બર 22, 2006 at 12:36 એ એમ (am) 5 comments

Older Posts


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,307 અમીનજરું

દિવસવાર ટપાલ

માર્ચ 2023
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031