Posts filed under ‘હાલરડાં’

હાં…હાં હાલાં – સં. ઝવેરચંદ મેઘાણી.

…હાલ્ય વાલ્ય ને હુવા,
લાડવા લાવે રે ભાઇના ફુવા ;
ફુવાના શા છે ફોક,
લાડવા લાવશે ગામનાં લોક ;

લોકની શી પેર,
લાડવા કરશું આપણે ઘેર ;
ઘરમાં નથી ઘી ને ગોળ,
લાડવા કરશું રે પોર ;
પોરનાં ટાણાં વયાં જાય –
ત્યાં તો ભાઇ રે મોટો થાય !…

ભાઇને ઘેરે ગાડી ને ઘોડાં,
ઘોડાંની પડઘી વાગે,
ભાઇ મારો નીંદરમાંથી જાગે ;
ઘોડાં ખાશે રે ગોળ,
ભાઇને ઘેર હાથીની રે જોડ !…

ભાઇ ભાઇ હું રે કરું,
ભાઇ વાંસે ભૂલી ફરું ;
ભાઇને કોઇએ દીઠો,
ફૂલની વાડમાં જઇ પેઠો ;
ફૂલની વાડી વેડાવો,
ભાઇને ઘેરે રે તેડાવો !…

નવેમ્બર 18, 2006 at 8:51 પી એમ(pm) 1 comment

હાલરડું – કૈલાસ પંડિત.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

 

એક બીજુ,  કાઠ્યાવાડ માં લોકમુખે ગવાતુ પુરાણુ હાલરડું…

તમે  મારાં  દેવનાં  દીધેલ  છો,  તમે  મારાં  માગી  લીધેલ  છો,
               આવ્યાં  ત્યારે  અમર  થઇને  રો’  !

આ લોકગીત હાલરડું છે. આની રચયતા તે કાઠ્યાવાડી ગામઠી જનતા. આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરીને આવા લોકગીતો અને હાલરડાંઓ ગ્રંથસ્થ કર્યા છે.

આખુ હાલરડું વાંચવા અહીં ક્લીક કરો.

ઓક્ટોબર 26, 2006 at 10:16 પી એમ(pm) 10 comments

દેવનાં દીધેલાં.

તમે  મારાં  દેવનાં  દીધેલ  છો,  તમે  મારાં  માગી  લીધેલ  છો,
               આવ્યાં  ત્યારે  અમર  થઇને  રો’  !

મા’દેવ  જાઉં  ઉતાવળી  ને  જઇ  ચડાવું  ફૂલ ;
               મા’દેવજી  પરસન  થિયા  ત્યારે  આવ્યાં  તમે  અણમૂલ !

તમે  મારું  નગદ  નાણું  છો,  તમે  મારું  ફૂલ  વસાણું  છો,
               આવ્યાં  ત્યારે  અમર  થઇને  રો’  !

મા’દેવ  જાઉં  ઉતાવળી  ને  જઇ  ચડાવું  હાર,
પારવતી  પરસન  થિયાં  ત્યારે  આવ્યા  હૈયાના  હાર.  –  તમે…..

હડમાન  જાઉં  ઉતાવળી  ને  જઇ  ચડાવું  તેલ,
હડમાનજી  પરસન  થિયા  ત્યારે  ઘોડિયાં  બાંધ્યાં  ઘેર.  –  તમે…..

ચીચણ  પાસે  પાલડી  ને  ત્યાં  તમારી  ફૈ ;
પાનસોપારી  ખાઇ  ગઇ,  કંકોતરીમાંથી  રૈ.  –  તમે…..

ભાવનગર  ને  વરતેજ  વચ્ચે રે’  બાળુડાની  ફૈ ;
બાળુડો  જ્યારે  જલમિયો  ત્યારે  ઝબલા  ટોપીમાંથી  ગૈ
બાળુડો  જ્યારે  પરણશે  ત્યારે  નોતરામાંથી  રૈ.  –  તમે…..

 + આ સુંદર મજાનું હાલરડું સાંભળવા અહીં ક્લીક કરો   :  મેઘધનુષ.

સપ્ટેમ્બર 7, 2006 at 10:01 પી એમ(pm) 26 comments

હાં આં…..આં હાલાં !

સૌરાષ્ટ્રમાં ગવાતું એક હાલરડું.

હાં આં…..આં હાલાં ! હાલ્ય વાલ્ય ને હાંસીનો,
રાતો ચૂડો ભાઇની માશીનો;
માશી ગ્યાં છે માળવે,
ભાઇનાં પગલાં રે જાળવે.
હાં…..હાં હાલાં !

હાલ્ય વાલ્ય ને હાંસી
લાડવા લાવશે ભાઇની માશી,
માશી ગ્યાં છે મ’વે
લાડવા કરશું રે હવે.
હાં…..હાં હાલાં !

હાલ્ય વાલ્ય ને હલકી,
આંગણે રોપાવો રે રૂડી ગલકી;
ગલકીનાં ફૂલ છે રાતાં,
ભાઇનાં મોસાળિયાં છે માતાં;
માતાં થૈને આવ્યાં,
આંગલાં ટોપી રે લાવ્યાં;
આંગલાં ટોપીએ નવનવી ભાત
ભાઇ તો રમશે દા’ડો ને રાત;
મોસાળમાં મામી છે ધુતારી
આંગલાં લેશે રે ઉતારી;
મામાને માથે રે મોળિયાં,
ભાઇનાં ઉતરાવશે હિંગળોકિયાં ઘોડિયાં.
હાં…..હાં હાલાં !
(વધુ…)

જુલાઇ 16, 2006 at 4:07 પી એમ(pm) 7 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 280,424 અમીનજરું

દિવસવાર ટપાલ

નવેમ્બર 2022
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930