વરસાદ ભીંજવે – રમેશ પારેખ.
જુલાઇ 7, 2006 at 4:19 એ એમ (am) 2 comments
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે ;
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે.
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે,
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે.
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે,
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે.
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે;
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે.
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે;
લીલોઘમ્મર નાગ જીવને અનરાધાર કરડે રે વરસાદ ભીંજવે.
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે,
થરથર ભીંજે આંખકાન વરસાદ ભીંજવે;
કોને કોનાં ભાંનસાન વરસાદ ભીંજવે.
Entry filed under: કવિતા.
1.
manvant | જુલાઇ 17, 2006 પર 3:05 પી એમ(pm)
કવિની પ્રાસાદિક અને પ્રાસયુક્ત ભાષા આકર્ષણ
ઊપજાવે તેવી જરૂર છે !.કદાચ આ એમની એક
ઉત્તમ રચના ગણાય ? ભાઈ પિસાવાડિયા સારા
શોધક છે !
2.
sanjay ghatala | ફેબ્રુવારી 27, 2014 પર 9:20 પી એમ(pm)
amitbhai shree ramesh parekh ni ala khachar ni savar kruti hoy to uplabdh kravajo.