આયનાની જેમ – મનોજ ખંડેરિયા.
ફેબ્રુવારી 12, 2007 at 2:02 પી એમ(pm) 5 comments
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને
ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છૂંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે
આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.
એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે –
જાણે કે છાતીમાં ધરબાતા ખીલા
પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.
Entry filed under: કવિતા.
1.
વિવેક | ફેબ્રુવારી 12, 2007 પર 5:51 પી એમ(pm)
આ ગીત વાંચો અને રૂંવાડા ઊભા ન થાય તો જાણજો કે તમે કદી પ્રેમ કર્યો જ નથી…. પ્રિયતમની નજર એવી જોરથી વાગે કે ભાનનો કાચ તડાક દઈને તૂટી જવાથી માંડીને છૂંદણામાં કોતરેલા મોર સાથે એકાંત ખાળવા કરાતી વાતચીત કે ખીલાની જેમ છાતીમાં ધરબાતા શ્વાસ યા પરપોટો ફૂટવાની વાત- મનોજ ખંડેરિયાએ શબ્દોની જે અદભુત સૃષ્ટિ રચી છે એ કોઈપણ પ્રેમીની પ્રતિક્ષાની ચરમસીમા છે!
2.
ઊર્મિસાગર | ફેબ્રુવારી 12, 2007 પર 10:20 પી એમ(pm)
very well said Vivek! i agree…
એકવાર વાંચીને તો સંતોષ થઇ જાય એવું નથી… પણ વારંવાર વાંચ્યા કરવાની તરસ જન્મ્યા કરે એવું સુંદર ગીત છે!! મને લાગે છે કે આ ગીત જો સ્વરબદ્ધ થાય તો તો એની મઝા કેટલાયે ઘણી ઓર વધી જાય!!
3.
Jayshree | ફેબ્રુવારી 13, 2007 પર 9:49 એ એમ (am)
ઊર્મિ….
તમારી આ ફરમાઇશ ટહુકો પૂરી કરશે… 🙂
4.
shivshiva | ફેબ્રુવારી 13, 2007 પર 1:52 પી એમ(pm)
સુંદર
5.
Jayshree | ફેબ્રુવારી 16, 2007 પર 10:25 એ એમ (am)
Listen this song here on tahuko :
http://tahuko.com/?p=178