હાં આં…..આં હાલાં !
જુલાઇ 16, 2006 at 4:07 પી એમ(pm) 7 comments
સૌરાષ્ટ્રમાં ગવાતું એક હાલરડું.
હાં આં…..આં હાલાં ! હાલ્ય વાલ્ય ને હાંસીનો,
રાતો ચૂડો ભાઇની માશીનો;
માશી ગ્યાં છે માળવે,
ભાઇનાં પગલાં રે જાળવે.
હાં…..હાં હાલાં !
હાલ્ય વાલ્ય ને હાંસી
લાડવા લાવશે ભાઇની માશી,
માશી ગ્યાં છે મ’વે
લાડવા કરશું રે હવે.
હાં…..હાં હાલાં !
હાલ્ય વાલ્ય ને હલકી,
આંગણે રોપાવો રે રૂડી ગલકી;
ગલકીનાં ફૂલ છે રાતાં,
ભાઇનાં મોસાળિયાં છે માતાં;
માતાં થૈને આવ્યાં,
આંગલાં ટોપી રે લાવ્યાં;
આંગલાં ટોપીએ નવનવી ભાત
ભાઇ તો રમશે દા’ડો ને રાત;
મોસાળમાં મામી છે ધુતારી
આંગલાં લેશે રે ઉતારી;
મામાને માથે રે મોળિયાં,
ભાઇનાં ઉતરાવશે હિંગળોકિયાં ઘોડિયાં.
હાં…..હાં હાલાં !
હાલ્ય વાલ્ય ને હેવૈયો,
ભાઇને ભાવે રે લાડુ સેવૈયો;
સેવૈયો પડ્યો છે શેરીમાં,
ભાઇ તો રમશે મા’દેવની દેરીમાં;
દેરીએ દેરીએ દીવા કરું,
ભાઇને ઘેરે તેડાવી વિવા કરું,
વિવા કરતાં લાગી વાર,
ભાઇના મામા પરણે બીજી વાર.
હાં…..હાં હાલાં !
હાલ્ય વાલ્યના રે હાકા,
લાડવા લાવે રે ભાઇના કાકા;
હાલ્ય વાલ્ય ને હુવા,
લાડવા લાવે રે ભાઇના ફુઆ;
ફુઆના તો ફોક,
લાડવા લાવશે ગામનાં લોક;
લોકની શી પેર,
લાડવા કરશું આપણે ઘેર;
ઘરમાં નથી ઘી ને ગોળ,
લાડવા કરશું રે પોર;
પોરનાં ટાણાં વયાં જાય,
ત્યાં તો ભાઇ રે મોટો થઇ જાય.
હાં…..હાં હાલાં !
હાલ્ય વાલ્ય ને હેલ્ય,
વગડે વસતી રે ઢેલ્ય;
ઢેલ્યનાં પગલાં તો રાતાં,
ભાઇના કાકા મામા છે માતા.
હાં…..હાં હાલાં !
હાલ્ય વાલ્ય ને હડકલી,
ભાઇને ઓઢવા જોવે ધડકલી.
હાં…..હાં હાલાં !
ભાઇ મારો છે વણઝારો,
સવાશેર સોનું લઇ શણગારો;
સોનું પડ્યું છે શેરીમાં,
ભાઇ મારો રમશે મા’દેવજીની દેરીમાં.
હાં…..હાં હાલાં !
ભાઇને દેશો નૈ ગાળ,
ભાઇ તો રિસાઇ જાશે મોસાળ;
મોસાળે મામી છે જૂઠી,
ધોકો લઇને રે ઊઠી;
ધોકો પડ્યો છે વાટમાં,
ને ભાઇ રમે રે હાટમાં,
હાં…..હાં હાલાં !
ભાઇ મારો છે ડાયો,
પાટલે બેસીને રે નાયો;
પાટલો ગ્યો રે ખસી,
ભાઇ મારો ઊઠ્યો રે હસી,
હાં…..હાં હાલાં !
ભાઇ મારો છે સાગનો સોટો,
આવતી વહુનો ચોટલો મોટો;
હાં…..હાં હાલાં !
ભાઇ મારો છે લાડકો,
જમશે ઘી-સાકરનો રે વાડકો;
ઘી-સાકર તો ગળ્યાં;
ભાઇના વેરીનાં મો બળ્યાં;
ઘી-સાકર ખાશે મારા બચુભાઇ,
વાટકો ચાટે રે મીનીબાઇ.
હાં…..હાં હાલાં !
ભાઇ મારો છે રે રાંક,
હાથે સાવ સોનાનો છે વાંક;
વાંકે વાંકે રે જાળી,
ભાઇની સાસુ છે કાળી !
વાંકે વાંકે રે ઘૂઘરી,
ભાઇની કાકી મામી છે સુઘરી !
વાંકે વાંકે મોતી થોડાં,
ભાઇને ઘેરે ગાડી ને ઘોડાં;
ઘોડાની પડઘી વાગે,
ભાઇ મારો નીંદરમાંથી જાગે;
ઘોડા ખાશે રે ગોળ,
ભાઇને ઘેરે હાથીની રે જોડ.
હાં…..હાં હાલાં !
ભાઇ મારો છે ગોરો
એની ડોકમાં સોનાનો રે દોરો;
દોરે દોરે રે જાળી,
ભાઇની કાકી રે કાળી.
હાં…..હાં હાલાં !
ભાઇ મારો છે અટારો,
ઘી ને ખીચડી ચટાડો;
ખીચડીમાં ઘી થોડું,
ભાઇને સારુ વાઢી ફોડું.
ઘી વિના ખીચડી લૂખી,
ભાઇના પેટમાં રે દુઃખી !
હાં…..હાં હાલાં !
ભાઇ ભાઇ હું રે કરું,
ભાઇ વાંહે ભૂલી ફરું;
ભાઇને કોઇએ દીઠો,
ફૂલની વાડીમાં જઇ પેઠો;
ફૂલની વાડી વેડાવો,
ભાઇને ઘેરે રે તેડાવો.
હાં…..હાં હાલાં !
હડ્ય તુતુડાં હાંકું,
ભાઇને રોતો રે રાખું;
તુતુડાં જાજો દૂર,
ભાઇ તો શિરાવશે દૂધ ને કૂર;
દૂધ ને કૂર તો લાગે ગળ્યાં,
ભાઇના આતમા રે ઠર્યા;
હડ્ય તુતુડાં હસજો,
વાડીમાં જઇને રે વસજો.
હાં…..હાં હાલાં !
Entry filed under: હાલરડાં.
1.
gujarat1 | જુલાઇ 17, 2006 પર 2:15 એ એમ (am)
શાબાશ! હાલરડા પર બ્લોગ-પોસ્ટ મૂકવાની તમારી જહેમત અને હિમત ધન્યવાદને પાત્ર છે.
આ હાલરડું આજે કોને આવડે?
મેં આવા જ મધુર હાલરડાઓની વાત તાજેતરમાં મારા બ્લોગ પર કરી છે … હરીશ દવે (http://gujaratiblog.blogspot.com )
2.
Urmi Saagar | જુલાઇ 17, 2006 પર 2:12 પી એમ(pm)
સરસ હાલરડું છે!!
ઊર્મિ સાગર
http://www.urmi.wordpress.com
3.
manvant | જુલાઇ 17, 2006 પર 2:28 પી એમ(pm)
આનાથી સુંદર ભાવવાહી હાલરડું બીજું કયું હોઇ શકે ?
અમિતભાઈ ને ખૂબજ ધન્યવાદ !
4.
Suresh Jani | જુલાઇ 25, 2006 પર 6:43 પી એમ(pm)
ભાઇ મારો છે ડાયો,
પાટલે બેસીને રે નાયો;
પાટલો ગ્યો રે ખસી,
ભાઇ મારો ઊઠ્યો રે હસી,
હાં…..હાં હાલાં !
I was knowing only this one. Thanks for sending the whole batallion!
What is ‘ Dhadakali’?
5.
swati | મે 19, 2008 પર 4:44 પી એમ(pm)
its a very good song. I like all ur halarda song
6.
bhavesh lodariya | જૂન 20, 2008 પર 3:29 પી એમ(pm)
nice haladdu, its really very good song. i like it
7.
shankar | જૂન 18, 2009 પર 2:08 પી એમ(pm)
hsfbsf