તમારાં અહીં આજ પગલાં થવાનાં – ગની દહીંવાલા.
જુલાઇ 20, 2006 at 11:20 એ એમ (am) 5 comments
તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાને ખબર થૈ ગઇ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોનીય નીચી નજર થૈ ગઇ છે.
શરમનો કરી ડોળ સઘળું જુએ છે
કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર થૈ ગઇ છે.
બધી રાત લોહીનું પાણી કરીને
બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની
બધાં સાધનોથી સભર થૈ ગઇ છે.
હરીફોય મેદાન છોડી ગયા છે
નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા
ભ્રમર – ડંખથી બેફિકર થૈ ગઇ છે.
પરિમલની સાથે ગળે હાથ નાખી –
કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ,
પુરાણા મલાજાથી પર થૈ ગઇ છે.
ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;
વિધાતાથી કોઇ કસર થૈ ગઇ છે.
‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું,
કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને,
ઘણી જન્નતોમાં સફર થૈ ગઇ છે.
– ગની દહીંવાલા ( 17-08-1908 : 05-03-1987 )
Entry filed under: ગઝલ.
1.
વિવેક | જુલાઇ 20, 2006 પર 12:36 પી એમ(pm)
પ્રિય અમિતભાઈ,
લગભગ બધા જ બ્લૉગનો હું નિયમિત વાંચક છું અને આપની સાથે તો અવારનવાર વાતો પણ થાય છે. આમ છતાં પણ આપનો બ્લૉગ કેમ નજર બહાર રહી ગયો એ સમજાતું નથી. ઘણો સુંદર બ્લોગ છે અને સારી મહેનત પણ કરી છે. અભિનંદન.
વિવેક
2.
Suresh Jani | જુલાઇ 25, 2006 પર 6:46 પી એમ(pm)
Sung by Manhar Udhas.
3.
Rajeshwari Shukla | સપ્ટેમ્બર 25, 2006 પર 5:39 પી એમ(pm)
તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાને ખબર થૈ ગઇ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોનીય નીચી નજર થૈ ગઇ છે.
very nice lines
4.
riddhi.bharat | એપ્રિલ 20, 2011 પર 2:46 એ એમ (am)
a pranyagit oho manhar udhas na avaj ma sambhaliye tyare khovaj jvay
5.
riddhi.bharat | એપ્રિલ 20, 2011 પર 2:49 એ એમ (am)
gani,ghayal,befam,sunya palnpuri a badha e kevi sundar gazal rachhi chhe.khub j abhinandan,thanks a lot