આધુનિક સુદામાનું ગીત – પ્રવીણ ટાંક
નવેમ્બર 15, 2006 at 9:56 પી એમ(pm) Leave a comment
( ઘર પહુંચે તો દેખકે વૈભવ ચકિત સુદામા હોય….. ના અનુસંધાને આગળ વધતું….. )
છેક દ્વારિકાથી દોડતા આવી, સુદામાએ ઉઘાડી નાખેલી ડેલી…..
ફાટેલી આંખોએ દંગ થઇ જોઇ, એના ફળિયામાં ફિયાટ પડેલી…..
ફફડતા હૈયે જ્યાં પગ દીધો ફ્લેટમાં, ત્યાં ફાગણની કોયલ સંભળાઇ…..
સોફાઓ દેખીને સૂવા એ જાય, ત્યાં તાંદુલિયાં સ્વપ્નો વીસરાય…..
ઓચિંતા ઝબકીને જાગી જુએ, સૂટ, બૂટ, સેટ, ટાઇ, વીંટેલી…..છેક…
પંખા, પલંગો, કબાટોને જોઇ પછી, ધીમેથી ફ્રિજને એ ખોલે,
ફ્રિજમાંયે કા’નાને થીજેલા જોઇ, ફોન ઉપાડી મોટેથી બોલે,
હાઉ આર યુ કા’ન ? જરા બિઝી છું યાર !
જો આ ઑફિસની ફાઇલો પડેલી…..છેક…
સનસેટ જોવાને બેઠા છે, સાંજે એ ગાર્ડનના ઝૂલે કમ્પાઉન્ડમાં
ફેશનિયાં છોકરાં ને ટોમીને લઇ, હવે નીકળે છે રોજ રોજ રાઉન્ડમાં
એના ચ્હેરે ગૉગલ્સ, સહેજ દુખતા મસલ્સ
હોઠ વચ્ચે છે સિગરેટ નમેલી…..છેક…
ગોળગોળ ખુરશીમાં ફરતા રહી, ઓલ્યા કૃષ્ણની સમૃદ્ધિ તાગે,
વૈભવની વચ્ચે છે એવા ચકચૂર, એને દ્વારિકા દરિદ્ર સાવ લાગે,
પોતીકી સાહ્યબી તો દોમદોમ ફૂટી, ને દ્વારિકા તો દરિયે ડૂબેલી…..
ફાટેલી આંખોએ દંગ થઇ જોઇ, એના ફળિયામાં ફિયાટ પડેલી…..
Entry filed under: કવિતા.
Trackback this post | Subscribe to the comments via RSS Feed