SCHIZOPHRENIA – અશરફ ડબાવાલા.
નવેમ્બર 8, 2006 at 11:19 પી એમ(pm) 3 comments
ડાક્ટર !
તમારી વાત હાવ હાચી છે,
મને schizophrenia થ્યો છે.
પણ ઇ ક્યો ને કોને નથી થ્યો ?
તમે કહો છો કે
મારો ને reality વચ્ચેનો પુલ તૂટી ગ્યો છે.
પણ બાપુ ! એના તો પૈસા છે !
બે ઘડી reality ને પછવાડે
ચૂસકી મારીને જોઇ લ્યો કેવો ટેસ પડે છે !
તમે હાચું કીધું કે
મને paranoia થાય છે
એટલે જ મને લાગે છે કે
કોઇ મારો પીછો કરે છે.
પણ ડાક્ટર !
આ દેશદેશ ને ગામેગામના
એક્કેએક ટોળાને લાગે છે કે
એની પાછળ બીજું ટોળું પડ્યું છે.
તમારી ઇ વાત હો ટકાની કે
હું ‘thought insertion’ થી પીડાઉં છું.
એટલે મારા મનમાં વિચારો આવતા નથી,
પણ કોઇ મૂકી જાય છે એવું લાગે છે.
પણ એમ તો આ હંધાય ક્યે છે કે
ઇ જેમ કરાવે છે એમ આપણે કરીએ છીએ.
એય કબૂલ કે
હું ‘feeling of passivity’ થી ઘેરાણો છું.
ને એટલે
મને કોઇ control કરતું હોય એવું લાગે છે
પણ આ હંધાય સદીયુંથી કીધે રાખે છે
‘એની ઇચ્છા વગર એક પાંદડુંય હલતું નથી’
ઇ ડાહ્યાઉને કાંક ક્યો ને !
ને એક ખાનગી વાત કરી દઉં ?
મેં તો ક્યારનોય suicide કરી નાખ્યો હોય,
પણ મારે હજી ઓલાં ફૂલ ચીતરવાનાં બાકી છે.
ઇ પહેલાં મરવું નથી.
મને નજરે તરે છે ઇ ફૂલોનો રંગ.
રોજ દુકાને દુકાને જઇને શોધું છું ઇ રંગ,
પણ ક્યાંય મળતો નથી.
જે દી ઇ રંગ મળી જાશેને
તે દી મારી પર ફેંકાયેલા પથ્થરે પથ્થર પર
ઇ ફૂલો ચીતરીને પછી
મારા પેટ પર
ડહાપણની ઘંટીનું પડ બાંધી
હું ભૂસકો મારીશ
reality ના દરિયામાં.
Entry filed under: કવિતા.
1.
UrmiSaagar | નવેમ્બર 9, 2006 પર 9:28 પી એમ(pm)
🙂
maja aavi gai, amit!
2.
Neela Kadakia | નવેમ્બર 11, 2006 પર 4:13 પી એમ(pm)
બાપલા ધીરો પડ
3.
girishparikh | જુલાઇ 20, 2010 પર 4:20 એ એમ (am)
‘ધબકારાનો વારસ’ અશરફ ડબાવાલાનો ગઝલ – ગીત – અછાંદસ કાવ્યનો સંગ્રહ છે. એના વિશેની લેખમાળા http://www.girishparikh.wordpress.com બ્લોગ પર આજથી પોસ્ટ કરવાના શ્રી ગણેશ કર્યા છે.‘ધબકારાનો વારસ’ના ધબકારા: ૧ (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ વાંચવા વિનંતી.
The translation in English of the poem ‘Schizophrenia’ is also posed on the above Blog.