યાચના – ઝવેરચંદ મેઘાણી.
ઓગસ્ટ 28, 2006 at 1:39 એ એમ (am) 1 comment
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી ( 17-08-1896 :: 09-03-1947 )
મોરલા હો ! મુંને થોડી ઘડી
તારો આપ અષાઢીલો કંઠ :
ખોવાયેલી વાદળીને હું
છેલ્લી વાર સાદ પાડી લઉં.
ઇંન્દ્રધનુષ ! તારા રંગ-ધોધોમાંથી
એક માગું લીલું બુન્દ :
સાંભરતાંને આંકવા કાજે
પીંછી મારી બોળવા દેજે !
મેઘમાલા ! તારા લાખ તારોમાંથી
ખેંચવા દે એક તાર :
બેસાડીને સૂર બાકીના
પાછી સોંપી દૈશ હું વીણા.
ઘોર સિંધુ ! તારા વીંજણાનું નાનું
આપજે એક કલ્લોક :
હૈયું એક નીંદવિહોણું –
ભાલે એને વાયરો ઢોળું.
રાતરાણી ! તારા ઝાકઝમાળાનું
મારે નથી કાંઇ કામ :
ગાઢ અંધકાર – પછેડા
ઓઢાડી દે ઊંઘની વેળા.
Entry filed under: કવિતા.
1.
manvant | ઓગસ્ટ 28, 2006 પર 4:26 એ એમ (am)
વાહ ! કવિ અને અમિતભાઈ !